અમદાવાદ, ૨૦ જૂન, ૨૦૨૫: ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા આગામી શુક્રવાર, ૨૭ જૂન, ૨૦૨૫ ના રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાશે. આ ઐતિહાસિક ઘટના પહેલા, આજે શુક્રવારે, અમદાવાદના માનનીય મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય પદાધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરમાં પરંપરાગત રીતે દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લેશે તેવી અપેક્ષા છે. રથયાત્રા જમાલપુરથી પ્રસ્થાન કરીને સરસપુરમાં આવેલા જગન્નાથજીના મોસાળમાં જશે અને સાંજે નિજમંદિર પરત ફરશે.
નિરીક્ષણ દરમિયાન, ઇજનેર વિભાગ દ્વારા રોડને મિલિંગ કરીને હેવી પેચવર્ક અને ફૂટપાથ રીપેરીંગ કરીને કલર કરવાની કામગીરી તેમજ જરૂરિયાત મુજબના મેનહોલને રોડ લેવલ કરવાની કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત, એસ્ટેટ વિભાગ દ્વારા મધ્ય ઝોનમાં ભયજનક મકાનો ઉતારી લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત ૫૨૫ બાંધકામોને નોટિસ આપવામાં આવી છે અને આજદિન સુધી ૨૨ ભયજનક બાંધકામો ઉતારી લેવામાં આવ્યા છે.
મેયરશ્રી અને અન્ય પદાધિકારીઓએ ઇજનેર વિભાગ, એસ્ટેટ વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા. આ નિરીક્ષણ રાઉન્ડ જગન્નાથ મંદિરથી શરૂ થઈને સરસપુર થઈને ફરી જગન્નાથ મંદિરે પૂર્ણ થયો હતો. જગન્નાથ મંદિરના ટ્રસ્ટીશ્રી પણ આ નિરીક્ષણ દરમિયાન જોડાયા હતા.