અમદાવાદ, ૨૦ જૂન, ૨૦૨૫: અમદાવાદ શહેરમાં આગામી રથયાત્રાને અનુલક્ષીને ચાલી રહેલા સઘન વાહન ચેકિંગ અને પોલીસ પેટ્રોલિંગ દરમિયાન, નરોડા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ઉત્તર પ્રદેશના બરેલી શહેરના એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ચોરી કરાયેલા ₹૨૪,૦૧,૦૦૦/- ની રોકડ અને ત્રણ મોબાઈલ ફોન સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના પોલીસ કમિશ્નરશ્રી અને સંયુક્ત પો.કમિશ્નરશ્રી સેક્ટર-૨ દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગના આદેશ આપવામાં આવ્યા હતા. આ સૂચનાના અનુસંધાને, નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૪ ના માર્ગદર્શન હેઠળ, શહેરના સરહદી વિસ્તારોમાં પ્રવેશવાના નાકાઓ પર અસરકારક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જી’ ડીવીઝનના મ.પો.કમિશ્નરશ્રીની રાહબરી હેઠળ, નરોડા પોલીસ સ્ટેશનના સિનિયર પો.ઇન્સશ્રી પી.વી.ગોહીલ અને પો.ઇન્સશ્રી એસ.એ.કોટડીયાના સીધા માર્ગદર્શન હેઠળ, પો.સ.ઇ. વી.આર.ચૌધરી અને પો.સ.ઇ. એચ.ડી.વાઘેલાની બે અલગ-અલગ ટીમો નાના ચિલોડા તરફથી અમદાવાદ શહેરમાં પ્રવેશવાના બ્રિજ ઉતરતા છેડે વાહન ચેકિંગ કરી રહી હતી.
આ દરમિયાન, ત્રણ શંકાસ્પદ ઇસમો ખભે બેગ ભરાવીને શંકાસ્પદ ગતિવિધિ કરતા જણાઈ આવતા, પોલીસ સ્ટાફે તેમને રોક્યા હતા. તેમની બેગ (થેલા) ની તલાશી લેતા, તેમાં ₹૫૦૦/- અને ₹૨૦૦/- ના દરની નોટોના બંડલ મળી આવ્યા હતા. બે પંચોની હાજરીમાં તેમની અંગઝડતી કરતા, તેમની પાસેથી કુલ ₹૨૪,૦૧,૦૦૦/- રોકડા અને ₹૧૭,૦૦૦/- ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન મળી, કુલ ₹૨૪,૧૮,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોપીઓની સઘન પૂછપરછ કરતા, તેઓએ કબૂલ્યું હતું કે આ રૂપિયા તેમણે ૧૭ જૂન, ૨૦૨૫ ના રોજ રાત્રિના સમયે બરેલીથી દિલ્હી જતી બસમાં બેઠેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ચોરી કર્યા હતા. તેમણે અગાઉથી જ રેકી કરી, પૂર્વ આયોજિત કાવતરું રચીને રૂપિયા ભરેલી બેગની ચોરી કરી હતી. તેઓ આજે આ રૂપિયાના ભાગ પાડવા માટે ઓઢવ ખાતે એકઠા થયા હતા.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ચોરી બાબતે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલા લિંક રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધાયેલો છે (ગુ.ર.નં-૦૨૦૭/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ). નરોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ માટે ઉત્તર પ્રદેશ પોલીસને જાણ કરવાની તજવીજ પણ હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ:
* ભાવેશભાઈ બળદેવભાઈ મહેરીયા, ઉં.વ. ૩૩, ધંધો ડ્રાઈવીંગ, રહે. ઓઢવ ગામ, અમદાવાદ શહેર.
* વિષ્ણુજી ઉર્ફ ઢોલો ધુળાજી નથાજી રાઠોડ, ઉં.વ. ૪૩, ધંધો ખેતીકામ, રહે. ગોગાપુરા, હરણાહોડા, સમઉ, તા. માણસા, જી. ગાંધીનગર.
* અશોકકુમાર ઉર્ફ વિશાલ ઉર્ફ ખોડો અરજણજી ચંદનજી ચાવડા, ઉં.વ. ૩૦, ધંધો નોકરી, રહે. મોટોવાસ, વડસ્મા, તા. મહેસાણા.
પકડવાના બાકી આરોપી:
* રોહન મનોજભાઈ પરમાર, રહે. વડસ્મા, તા.જી. મહેસાણા.
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
* એક કાળા કલરની બેગમાંથી ₹૫૦૦/- ના દરની કુલ ૩૯૪૯ નોટ, જેની કુલ કિંમત ₹૧૯,૭૪,૫૦૦/-.
* એક પર્પલ કલરનો OPPO કંપનીનો A/3 મોડલનો મોબાઈલ ફોન, કિંમત ₹૭૦૦૦/-.
* એક કાળા કલરની બેગમાંથી ₹૫૦૦/- ના દરની કુલ ૪૫૩ નોટ (કુલ ₹૨,૨૬,૫૦૦/-) તથા ₹૨૦૦/- ના દરની કુલ ૧૦૦૦ નોટ (કુલ ₹૨,૦૦,૦૦૦/-), મળી કુલ ₹૪,૨૬,૫૦૦/-.
* એક સિલ્વર કલરનો VIVO Y21 મોડલનો મોબાઈલ ફોન, કિંમત ₹૫૦૦૦/-.
* એક ક્રીમ કલરનો OPPO F/27 PRO મોડલનો મોબાઈલ ફોન, કિંમત ₹૫૦૦૦/-.
આ સફળ કામગીરીમાં પો.સ.ઇ. વી.આર.ચૌધરી, પો.સ.ઇ. એચ.ડી.વાઘેલા અને અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.