નારોલ ફાયરિંગ: બે આરોપી ઝડપાયા, અન્ય બે વોન્ટેડ

by Bansari Bhavsar

અમદાવાદ, [જૂન 21, 2025]: અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રિએ બાઈક હટાવવાની નજીવી બાબતે ફાયરિંગની ઘટના બનતાં ચકચાર મચી ગઈ છે. ચાર જેટલા આરોપીઓએ હાથમાં પિસ્તોલ અને તલવાર જેવા હથિયારો સાથે વિસ્તારને બાનમાં લીધો હતો અને ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 19મી તારીખે આરોપી શેરૂ સાથે ફરિયાદીના ભાઈની બોલાચાલી થઈ હતી. આ અદાવતમાં ગઈકાલે રાત્રે મોહમ્મદ અકરમ ઉર્ફે શેરૂ અંસારી અને મોહમ્મદ નુરૂદ્દીન ઉર્ફે સાહિલ કુરેશી સહિત ચાર વ્યક્તિઓએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ નારોલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી હતી. LCB ઝોન છની ટીમે સઘન તપાસ કરીને મોહમ્મદ અકરમ ઉર્ફે શેરૂ અંસારી અને મોહમ્મદ નુરૂદ્દીન ઉર્ફે સાહિલ કુરેશીની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ નારોલના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેમની પાસેથી એક પિસ્તોલ, એક તમંચો અને સાત જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.

જોકે, અન્ય બે આરોપીઓ ઈમરાન અને સોહિલ હાલ પોલીસ પકડથી દૂર છે અને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. નારોલ પોલીસે વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ પરિમલ દેસાઈએ બાઈટ આપતાં જણાવ્યું હતું કે, “અમે ઝડપાયેલા આરોપીઓ પાસેથી હથિયારો જપ્ત કર્યા છે અને અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરી રહ્યા છીએ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને તેના આધારે વધુ તપાસ ચાલુ છે.”

Related Posts