અમદાવાદ: DILR સર્વેયર સહિત ત્રણ ₹5 લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

ભીમજીપુરા DILR કચેરીનો સર્વેયર લાંચ કેસમાં ફસાયો: ₹5 લાખ સાથે ત્રણની ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ, [ ૨૨ જૂન, ૨૦૨૫]: ભ્રષ્ટાચાર વિરોધી દળ (ACB) દ્વારા અમદાવાદમાં વધુ એક સફળ છટકું ગોઠવીને DILR કચેરીના સરકાર માન્ય લાયસન્સી સર્વેયર સહિત ત્રણ વ્યક્તિઓને ₹5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર ઓપરેશન બોપલ-આંબલી ચાર રસ્તા પાસે આવેલા એક શોરૂમ નજીક પાર પાડવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસમાં એક જાગૃત નાગરિક દ્વારા ACBનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફરિયાદીના બહેનની જમીનમાં KJP દુરસ્તી (સુધારા) કરાવવા માટે આરોપી નંબર (૧) ગૌતમ ભરતભાઈ યાજ્ઞિક, જે DILR કચેરી, ભીમજીપુરા, વાડજ, અમદાવાદના સરકાર માન્ય લાયસન્સી સર્વેયર છે, તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

યાજ્ઞિકે KJP દુરસ્તી સુધારા કરવાના બદલામાં DILR કચેરી ખાતે “વ્યવહાર” કરવો પડશે તેમ કહી, રકઝકના અંતે ₹5,00,000/- (પાંચ લાખ રૂપિયા)ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

આજરોજ, તા. ૨૧/૦૬/૨૦૨૫ના રોજ ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન, આરોપી ગૌતમ યાજ્ઞિકે લાંચના નાણાં આરોપી નંબર (૨) નવગણસિંહ ખુમાનસિંહ ડોડીયા (જમીન દલાલ)ને આપવા જણાવ્યું હતું. ફરિયાદીએ નવગણસિંહને મળતા, આરોપી નંબર (૨) નવગણસિંહ ડોડીયા અને આરોપી નંબર (૩) મનીષ ધીરૂભાઈ પગી (જમીન દલાલ)એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના ₹5,00,000/- સ્વીકાર્યા હતા.

આ ત્રણેય આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ભ્રષ્ટાચારનો ગુનો આચર્યો હોવાનું ACB દ્વારા જણાવવામાં આવ્યું છે. લાંચની સ્વીકારેલી સંપૂર્ણ રકમ ₹5,00,000/- ACB દ્વારા પરત મેળવી લેવામાં આવી છે.

આ સફળ ટ્રેપ શ્રી એમ.એમ. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર એ.સી.બી. પો. સ્ટે. દ્વારા ગોઠવવામાં આવી હતી. તેમને શ્રી ડી.એ. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર એ.સી.બી. પો. સ્ટે. દ્વારા મદદ કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન શ્રી એ.કે. પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે અને ACB દ્વારા આવા લાંચિયા અધિકારીઓ અને વચેટિયાઓ સામે સકંજો કસવામાં આવી રહ્યો હોવાનું દર્શાવે છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts