12 જૂનના રોજ અમદાવાદ નજીક થયેલા એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ના ભયાવહ દુર્ઘટનાના સમાચાર હજુ પણ લોકમાનસમાં તાજા છે. આ કરુણ ઘટનામાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 21 જૂન સુધીના પ્રાપ્ત અહેવાલો મુજબ, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 231 વ્યક્તિઓના DNA સફળતાપૂર્વક મેચ કરવામાં આવ્યા છે. તેમાંથી 210 મૃતદેહોને તેમના શોકગ્રસ્ત પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે.
આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ આઘાતમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે પણ એક પ્રતિભાશાળી કલાકાર ગુમાવ્યો છે. જાણીતા ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અધિકારીઓ દ્વારા DNA મેચિંગ અને મૃતદેહોને ઓળખવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે, જેથી બાકીના મૃતદેહો પણ વહેલી તકે તેમના પરિવારજનોને સોંપી શકાય. આ દુર્ઘટનાના કારણોની તપાસ પણ પૂરજોશમાં ચાલી રહી છે. સમગ્ર દેશ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યો છે.