સરપંચ કચેરીથી ગણ્યાગાંઠ્યા અંતરે દારૂનો અડ્ડો: તંત્રની નિષ્ક્રિયતા બેનકાબ.

by Bansari Bhavsar

મહેસાણા, [૨૨ જૂન, ૨૦૨૫]: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાંથી સામે આવેલા ચોંકાવનારા દ્રશ્યોએ આ દાવાની પોલ ખોલી નાખી છે. ગામમાં સરપંચની ચૂંટણીના દિવસે પણ જાહેરમાં અને ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ અને સેવન થતું હોવાના લાઈવ વિડીયો ફૂટેજ સામે આવ્યા છે, જેણે સ્થાનિક પોલીસ તંત્ર અને ગ્રામ પંચાયતની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ચૂંટણીના દિવસે પણ દારૂનો વેલપો: લોકશાહીનું અપમાન?

પ્રાપ્ત માહિતી અનુસાર, જોટાણા ગામમાં સરપંચની ચૂંટણીનો માહોલ ગરમાયો હતો, ત્યારે જ ગામના અમૃત પટેલ નામના એક બુટલેગર દ્વારા બેરોકટોક વિદેશી દારૂનો વેલપો ચલાવવામાં આવી રહ્યો હતો. આશ્ચર્યજનક રીતે, આ દારૂનો અડ્ડો ગામની સરપંચ કચેરીથી માત્ર ગણ્યાગાંઠ્યા અંતરે જ ધમધમી રહ્યો હતો. ચૂંટણીના દિવસે, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી વધુ સઘન બને છે, ત્યારે જ આવી સ્થિતિનું નિર્માણ થવું એ લોકશાહી પ્રક્રિયા અને કાયદાનું સીધું અપમાન છે.

કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો: તંત્રની નિષ્ક્રિયતાનો પુરાવો

NEWS INSISEના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો એટલા સ્પષ્ટ છે કે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે લોકો જાહેરમાં દારૂનું સેવન કરી રહ્યા છે અને બુટલેગર અમૃત પટેલ દ્વારા ખુલ્લેઆમ વિદેશી દારૂની બોટલોનું વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત પણ ઘણા બુટલેગર દ્વારા કાયદાને હાથમાં લઈને કોઈ રોક ટોક્ વગર દારૂનો વેપલો ચલાવતા હશે! દ્રશ્યો દર્શાવે છે કે, આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તંત્રનો કોઈ અંકુશ નથી, અથવા તો ક્યાંક ને ક્યાંક મીલીભગતની આશંકા પણ સેવાઈ રહી છે.

સરપંચ અને પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં:

આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. શું સ્થાનિક પોલીસને આ દારૂના અડ્ડાની જાણકારી નહોતી? જો જાણ હતી તો શા માટે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી? સરપંચ કચેરીની આટલી નજીક દારૂનો વેલપો ચાલતો હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલાં કેમ ન લેવાયા? આ સમગ્ર પ્રકરણમાં પોલીસ અને ગ્રામ પંચાયત બંનેની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે. સવાલ એ પણ થાય છે કે, ચૂંટણીના દિવસે મતદારોને પ્રભાવિત કરવા માટે તો આ દારૂનું વિતરણ કરવામાં આવી રહ્યું નહોતું ને?

જાહેર જનતામાં રોષ અને કાર્યવાહીની માંગ:

જોટાણા ગામના જાગૃત નાગરિકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કાયદાનું શાસન સ્થાપિત કરવા અને આવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓ ગુજરાતની દારૂબંધી નીતિની અસરકારકતા પર પ્રશ્નાર્થ મૂકે છે અને સરકારને આ દિશામાં વધુ સઘન પગલાં લેવા માટે પ્રેરિત કરે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જિલ્લા કલેક્ટર આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપી, જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરે તેવી અપેક્ષા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

Related Posts