ગુજરાત (ભારત) – 4 જુલાઈ, 2025 ના રોજ, ગુજરાત સ્થિત એચ એન્ડ એચ એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડે રાજકોટના ચિભડા ગામ ખાતે ભારતના સૌથી મોટા અને સૌથી અદ્યતન એલ્યુમિનિયમ સોલર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શુભારંભ કર્યો છે. આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ભારત સરકારના માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
Rs.150 કરોડનું રોકાણ, 24,000 મેટ્રિક ટનની વાર્ષિક ક્ષમતા
આ અત્યાધુનિક પ્લાન્ટ 28,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેમાં આશરે Rs.150 કરોડનું નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું છે. 24,000 મેટ્રિક ટન (MT) ની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ ભારતમાં 6 ગીગાવોટ (GW) સોલર ઇન્સ્ટોલેશનને ટેકો આપવા સક્ષમ છે. સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત થતાં, આ પ્લાન્ટ વાર્ષિક Rs.700 થી Rs.750 કરોડનું વેચાણ હાંસલ કરી શકશે, જે સૌર ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપશે.
“મેક ઇન ઇન્ડિયા” ને વેગ, 300 થી વધુ નોકરીઓની તકો
એચ એન્ડ એચ એલ્યુમિનિયમના ડિરેક્ટર શ્રી ઉત્તમ પટેલે જણાવ્યું હતું કે, “આ ભારતનો સૌથી મોટો અને સૌથી અદ્યતન સોલર પેનલ એલ્યુમિનિયમ ફ્રેમ પ્લાન્ટ હશે અને અમે લગભગ એક વર્ષના રેકોર્ડ સમયમાં આને સ્થાપિત કરવામાં સફળ રહ્યા છીએ.” તેમણે ઉમેર્યું હતું કે, “હાલમાં, ભારત 90-95% એલ્યુમિનિયમ સોલાર પેનલ ફ્રેમની આયાત કરે છે. આ પ્લાન્ટ સાથે અમે મેક ઇન ઇન્ડિયા પહેલને ટેકો આપવા અને સૌર ઉર્જા ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તરફ એક અર્થપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ.” આ પ્લાન્ટ 300 થી વધુ લોકો માટે રોજગારીની તકો ઊભી કરશે, જે સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે. જૂન 2025 માં ટ્રાયલ ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને આગામી એક મહિનામાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે.
સરકારની એન્ટી-ડમ્પિંગ ડ્યુટી અને સૌર ઉર્જાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો
ભારત સરકારે 29 સપ્ટેમ્બર, 2024 ના રોજ ચીનથી આયાત કરાતી “સોલાર પેનલ્સ/મોડ્યુલ્સ માટે એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમ ફ્રેમ્સ” પર પાંચ વર્ષના સમયગાળા માટે $403 થી $577 પ્રતિ મેટ્રિક ટન (14% ની સમકક્ષ) સુધીની એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી છે. આ નિર્ણય સ્થાનિક ઉદ્યોગને સુરક્ષિત રાખવા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે.
એચ એન્ડ એચ એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી વિજય કનેરિયાએ જણાવ્યું હતું કે, “ભારતે 2025 માં 100 GW સૌર ઉર્જા ક્ષમતાનો ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યો છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સરકારે 2030 સુધીમાં 500 GW રિન્યુએબલ ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે, જેનો નોંધપાત્ર ભાગ આશરે 280 GW, સૌર ઉર્જામાંથી આવવાની અપેક્ષા છે. આ આગામી 5-10 વર્ષોમાં સૌર ઉર્જા અને સંલગ્ન ઉદ્યોગો માટે એક વિશાળ તક રજૂ કરે છે.”
આંતરરાષ્ટ્રીય ધોરણો અને પર્યાવરણીય અનુકૂળતા
રિન્યુએબલ એનર્જી સેક્ટરને આગળ ધપાવવાના વિઝન સાથે સ્થપાયેલી, એચ એન્ડ એચ એલ્યુમિનિયમ પ્રીમિયમ ગુણવત્તાવાળા એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ્સ પ્રદાન કરે છે. કંપનીની પ્રોડક્ટ્સ ASTM અને IEC માટેના સ્ટ્રેન્થ, વેધર રેઝિસ્ટન્સ અને લોન્ગેટિવિટીના આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરે છે. રાજકોટ પ્લાન્ટ રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને ગુણવત્તા નિયંત્રણ માટે SCADA અને IoT-સક્ષમ પ્રોડક્શન લાઇન, પ્રોડક્ટ કસ્ટમાઇઝેશન માટે સંપૂર્ણપણે સજ્જ ગુણવત્તાયુક્ત લેબ અને ઇન-હાઉસ R&D, તથા ઝીરો-લિક્વિડ ડિસ્ચાર્જ એનોડાઇઝિંગ સેટઅપથી સજ્જ છે. કંપનીના એલ્યુમિનિયમ ફ્રેમ્સ RoHS અને REACH સુસંગત છે, જોખમી પદાર્થોથી મુક્ત છે અને 100% રિસાયકલ કરી શકાય છે, જે પર્યાવરણને અનુકૂળ ઉર્જા પહેલ સાથે પણ સુસંગત છે.