નારોલ-મોતીપુરા ચાર રસ્તા પાસેથી ૬ જુગારીયાઓ ₹૧.૫૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

₹૧૬,૦૯૦/- રોકડા, ૪ મોબાઈલ અને ૨ મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદ શહેર – અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીની સૂચના અનુસાર, શહેરમાં ચાલી રહેલી ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે નારોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે, નારોલ-મોતીપુરા ચાર રસ્તા પાસે આવેલા વિનસ ફેક્ટરી સામેથી જાહેરમાં જુગાર રમતા ૦૬ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલા આરોપીઓમાં મયુરભાઈ રમેશભાઈ ભરવાડ (ઉંમર ૨૫, ધંધો-પશુપાલન, રહે. આનંદ એસ્ટેટની સામે, શાહવાડી, નારોલ, અમદાવાદ શહેર) અને અન્ય પાંચ ઈસમોનો સમાવેશ થાય છે.

જુગારના સ્થળેથી પોલીસે દાવના ₹૬,૩૯૦/- રોકડા અને અંગજડતીમાંથી ₹૯,૭૦૦/- રોકડા જપ્ત કર્યા છે. આ ઉપરાંત, તેમની પાસેથી ₹૩૮,૦૦૦/-ની કિંમતના ૦૪ મોબાઈલ ફોન અને ₹૧,૦૦,૦૦૦/-ની કિંમતના ૦૨ મોટરસાયકલ મળી, કુલ ₹૧,૫૪,૦૯૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા અંતર્ગત ગુન્હો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરી નારોલ પોલીસ ઈન્સપેકટરશ્રી પી.સી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સપેકટરશ્રી પી.આર. સરવૈયા, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ માનુભા (બ.નં-૪૧૩૩), પોલીસ કોન્સ્ટેબલ જગદીશસિંહ ગલતુભા (બ.નં-૮૬૧૧), પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ પ્રતાપસિંહ (બ.નં-૬૭૮૦) અને દિવ્યરાજસિંહ રવીન્દ્રસિંહ (બ.નં-૧૦૯૯૮) દ્વારા પાર પાડવામાં આવી હતી.

Related Posts