અમદાવાદ, ૬ જુલાઈ, ૨૦૨૫ – અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ કટિબદ્ધ છે. ત્યારે વસ્ત્રાપુર પોલીસે શાકભાજીની દુકાનની આડમાં ચાલતા વિદેશી દારૂના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં પોલીસે રૂપિયા ૧.૮૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસને બાતમી મળી:
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર (સેક્ટર-૧), અને નાયબ પોલીસ કમિશનર (ઝોન-૧) દ્વારા પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ, સબ-ઇન્સ્પેક્ટર આર.એલ. પટેલ અને તેમની સર્વેલન્સ સ્ક્વોડે ૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ પેટ્રોલિંગ દરમિયાન એક ખાનગી બાતમી મેળવી હતી.
દરોડા અને મુદ્દામાલ:
બાતમીના આધારે, પોલીસે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક શાકભાજીની દુકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, દુકાનની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની કુલ ૧૦૪ નાની-મોટી બોટલો, ૬૮ બિયર ટીન, ૨ મોબાઈલ ફોન અને એક એક્ટિવા સ્કૂટર સહિત કુલ રૂ. ૧,૮૪,૨૯૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપીઓની ધરપકડ:
પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે:
* નીખિલ રમેશ રાવ (ઉંમર ૩૨, રહે. આસ્થા અંતરમ, ગોતા, અમદાવાદ)
* કિશન નંદલાલ છગનભાઈ કાથરોટીયા (ઉંમર ૩૨, રહે. હર્ષદ કોલોની, બાપુનગર, અમદાવાદ)
* મુકેશ રમેશજી બાલાજી ઠાકોર (ઉંમર ૩૨, રહે. પારિજાત ઔડાના મકાન, બોડકદેવ, અમદાવાદ)
આ ઉપરાંત, પ્રકાશ પરમાર નામનો એક આરોપી (રહે. ઔડાના મકાન, થલતેજ) હજુ ફરાર છે અને તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પ્રશંસનીય કામગીરી:
વસ્ત્રાપુર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસનીય ગણાવવામાં આવી છે. આ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડા, પો.સ.ઇ. આર.એલ. પટેલ, અને અન્ય પોલીસકર્મીઓ જેવા કે વનરાજસિંહ બચુભાઇ, દીલીપભાઈ ડાયાભાઈ, ભરતસિંહ હિંમતસિંહ, પ્રકાશભાઇ રમેશભાઇ, અમિતસિંહ શીવાભાઇ, અરજણ ભાઇ પ્રેમજીભાઇ, અતુલકુમાર જયેન્દ્રભાઇ, કપિલકુમાર કાળાભાઇ, નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ, અને મોન્ટુભાઇ ગોવિંદભાઇ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.