અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવવાના કેસમાં “બંટી-બબલી” તરીકે ઓળખાતા એક દંપતીને ઝડપી પાડ્યું છે.
શું છે મામલો?
ગત 8 જૂન, 2025 ના રોજ, સ્નેહલતા ભાવેશકુમાર રામીએ અમદાવાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ધર્મેન્દ્રભાઈ ભીખાભાઈ વિઠલાપરા અને તેમની પત્ની અમિષાબેન ઉર્ફે અમિષાબેન રામીએ ફરિયાદી અને અન્ય સાહેદોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી.
આ દંપતીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી હેડ ઓફિસર હિમાંશુ શુક્લા અને દિનેશભાઈ દુલેરાના ખોટા નામ ધારણ કરીને લોકોને છેતર્યા હતા. તેઓએ ખોટા એપોઇન્ટમેન્ટ લેટર, બદલીના આદેશો અને કાયમી નિમણૂકના આદેશો બનાવ્યા હતા, જેના પર ખોટી સહીઓ અને રબર સ્ટેમ્પ લગાવ્યા હતા.
વાસ્તવમાં, ફરિયાદી કે સાહેદોને કોઈ કાયદેસરની નોકરી આપવામાં આવી ન હતી. આ દંપતીએ ફરિયાદી પાસેથી રૂ. 21,74,000/- અને સાહેદો પાસેથી કુલ રૂ. 82,28,000/- ની છેતરપિંડી કરી હતી.
ઝડપાયા આરોપીઓ
પોલીસ તપાસ દરમિયાન, ધર્મેન્દ્રભાઈ ભીખાભાઈ વિઠલાપરા અને તેમની પત્ની અમિષાબેન ઉર્ફે અમિષાબેન રામીની ધરપકડ કરવામાં આવી છે. તેમને 13 જુલાઈ, 2025 સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.
જનતા જોગ અપીલ
જો કોઈ વ્યક્તિ આ “બંટી-બબલી” દંપતી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાના બહાને છેતરાઈ હોય, તો તેઓ ક્રાઈમ બ્રાંચના પો.સ.ઈ. વી.આર. ગોહીલનો 8980887778 નંબર પર સંપર્ક કરી શકે છે.