અમદાવાદ, ગુજરાત, જુલાઈ 14, 2025: ભારતની સૌથી મોટી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) અને બજાજ ફિનસર્વનો એક ભાગ, બજાજ ફાઇનાન્સ લિમિટેડ (BFL) દ્વારા આજે અમદાવાદમાં સાયબર ફ્રોડ અવરનેસ કાર્યક્રમ ‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો હેતુ ડિજિટલ વપરાશકર્તાઓને વિવિધ પ્રકારની સાયબર ધમકીઓ અને તેમની નાણાકીય સંપત્તિને સુરક્ષિત રાખવાના શ્રેષ્ઠ પ્રયાસો વિશે જાણકારી આપવાનો હતો.
આ જાગૃતિ અભિયાન બજાજ ફાઇનાન્સના 100-શહેરી સાયબર સુરક્ષા કાર્યક્રમનો એક ભાગ છે, જે નાગરિકોને સાયબર ફ્રોડથી બચવા માટે સજ્જ કરે છે. ‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’ કાર્યક્રમ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 2024માં જારી કરવામાં આવેલી NBFCs માટેની ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ ગાઇડલાઇન્સ સાથે સુસંગત છે, જે ડિજિટલ ઇકોસિસ્ટમને દરેક માટે સુરક્ષિત બનાવવા માટે તકેદારી, સ્ટાફની જવાબદારી અને જાહેર સહભાગિતા પર ભાર મૂકે છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કેમર્સ દ્વારા કરવામાં આવતા સામાન્ય નાણાકીય ફ્રોડ્સ તરફ નાગરિકોનું ધ્યાન દોરવાનો હતો. જેમાં નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વોટ્સએપ ગ્રુપ્સ અને નાણાકીય કંપનીઓની નકલ કરતી વેબસાઇટ્સનો સમાવેશ થાય છે, જે ખોટી રીતે સંલગ્નતા દર્શાવે છે અને તેમના કર્મચારી હોવાનો પણ ઢોંગ કરે છે.
આ જાગૃતિ પહેલ દરમિયાન, અમદાવાદ સાયબર પોલીસ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર, શ્રીમતી મિરલ બોરીચાએ પ્રેક્ષકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, “સાવચેત રહેવું અને સોશિયલ મીડિયા પર આવતી આકર્ષક અથવા અવાસ્તવિક રોકાણ યોજનાઓમાં ફસાવું ન જોઈએ અને સંવેદનશીલ માહિતીને હંમેશા સુરક્ષિત રાખો. સાયબર ફ્રોડને સામાજિક કલંક તરીકે ન ગણવું જોઈએ, તે કોઈની સાથે પણ થઈ શકે છે. પરંતુ ‘ગોલ્ડન અવર’માં તુરંત જ 1930 પર ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી ફ્રોડને રોકવા માટે તુરંત કાર્યવાહી થઈ શકે.”
કાર્યક્રમ દરમિયાન સાયબર પોલીસ રેન્જના સબ-ઇન્સ્પેક્ટર શ્રીમતી કરિશ્મા ચૌધરીએ કહ્યું કે, “મોટાભાગના સ્કેમ મુખ્યત્વે બે કારણોસર થાય છે – પહેલું, આપણા પોતાના ડિવાઇસ અને ટેકનોલોજી વિશે જ્ઞાનની ખામી અને બીજું, લોભ-લાલચ અને ઝડપી પૈસા કમાવવાની ઇચ્છાને કારણે થાય છે.” તેમણે નાગરિકોને સોશિયલ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સુરક્ષિત રહેવાની અપીલ કરી અને એપ્સને તેમનો ડેટા શેર કરવાની પરવાનગી આપતા પહેલા હંમેશા બે વાર વિચાર કરવાનું કહ્યું, કારણ કે મોટાભાગના ફ્રોડની શરૂઆત અહીંથી થાય છે.
ગાંધીનગર યુનિવર્સિટીના સાયબર સુરક્ષા નિષ્ણાત શ્રી યશ કનાણીએ વર્તમાન સમયમાં વધુ પ્રચલિત વિવિધ પ્રકારના ફ્રોડ્સ પર આંતરદૃષ્ટિ શેર કરી, જેમાં વોટ્સએપ હેકિંગ, ડિજિટલ અરેસ્ટ, ઇ-સિમ ફ્રોડનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, “ડિજિટલ વેવ પર સવારી કરવી સમયની માંગ છે, પરંતુ ઓનલાઇન સ્પેસમાં સાવચેત રહેવું જ જોઈએ અને સોશિયલ મીડિયા ઓપરેટ કરતી વખતે અથવા કોઈ પણ પ્લેટફોર્મ પર અજાણી પ્રોફાઇલ્સથી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતી વખતે હંમેશા સાવચેત રહેવું જોઈએ, તે સ્કેમનું પહેલું પગલું હોઈ શકે છે.”
BFLના પ્રવક્તાએ કહ્યું કે, “અમારા ગ્રાહકોની નાણાકીય સુરક્ષા અમારા માટે સર્વોપરી છે. અમે સતત ઓનલાઇન અને ઓફલાઇન આ પ્રકારના ફ્રોડથી બચવા માટે અમારા ગ્રાહકો માટે સલાહો જારી કરીએ છીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર, તેમજ નાગરિકો સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા દરેકને સાયબર સુરક્ષિત રહેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.”
આ ઇવેન્ટમાં હાજર રહેલા નિષ્ણાંતો અને ગણ્યમાન્ય વ્યક્તિઓમાં અમદાવાદ રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી મિરલ બોરીચા, ગાંધીનગર યુનિવર્સિટીના સાયબર સુરક્ષા નિષ્ણાત શ્રી યશ કનાણી, સબ-ઇન્સ્પેક્ટર સુશ્રી કરિશ્મા ચૌધરી, અને ગાંધીનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. કમલેશ વી. એન. નો સમાવેશ થાય છે.
‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’ સાયબર સમુદાયને વ્યક્તિગત અને સંવેદનશીલ માહિતીને સુરક્ષિત રાખવા માટે મૂલ્યવાન સલાહો આપે છે. આમાં OTP, PIN શેર કરવાથી દૂર રહેવું, શંકાસ્પદ ઇમેઇલ્સ, SMS, લિંક્સ, QR કોડ્સ પર ક્લિક કરવાથી દૂર રહેવું અને અજાણ્યા સ્ત્રોતોમાંથી એપ્લિકેશન્સ ડાઉનલોડ ન કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં મુખ્ય શહેરો અને નગરોમાં ઇન્ટરએક્ટિવ વર્કશોપ્સ, ડિજિટલ જાગૃતિ અભિયાન અને સમુદાય આઉટરીચ પ્રોગ્રામ્સની વિવિધ શ્રેણીનો સમાવેશ થાય છે.