સુબેદાર મેજરના પુત્રનું અપહરણ કરનાર આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાંચ અમદાવાદ શહેરે પુત્રને સલામત શોધ્યો.

by Bansari Bhavsar

અમદાવાદ, ૧૫ જુલાઈ, ૨૦૨૫ – અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે એક મોટી કાર્યવાહી કરી છે. તેમણે નિવૃત્ત સુબેદાર મેજર પંકજકુમાર પાંડેના પુત્ર પ્રિન્સ પાંડેનું અપહરણ કરનારા લોકોને પકડી પાડ્યા છે. આ સાથે જ, પ્રિન્સને પણ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યો છે.

પ્રિન્સ પાંડે અગોરા મોલ પાસે રહે છે અને તે ક્રિપ્ટોકરન્સી USDT માં ટ્રેડિંગ કરે છે. પ્રિન્સે પહેલા કરણ નામના એક માણસ સાથે રોકડના બદલે USDT આપવાની વાત કરી હતી.

૧૫ જુલાઈ, ૨૦૨૫ ની રાત્રે લગભગ ૨ વાગ્યે, પ્રિન્સના મિત્રના ફોન પરથી તેને બાપુનગર ટોલનાકા પાસે બોલાવવામાં આવ્યો. ત્યાં કેટલાક લોકોએ નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી ગાડીમાં પ્રિન્સને બેસાડ્યો અને તેનું અપહરણ કર્યું. અપહરણ પછી, આરોપીઓએ પ્રિન્સને કહ્યું કે જો તે ઘરે સુરક્ષિત પહોંચવા માંગતો હોય તો તેણે ૪૨ લાખ રૂપિયાના ૫૦,૦૦૦ USDT આપવા પડશે.

પ્રિન્સ પાસે તેના USDT વૉલેટનો પાસવર્ડ મજબૂત ન હોવાથી, આરોપીઓએ તેને ગાડીમાં જ માર માર્યો અને લાકડીઓ વડે દબાણ કર્યું કે તે પાસવર્ડ આપે. પ્રિન્સને આખી રાત એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યો અને તેને સતત માર મારવામાં આવ્યો.

જ્યારે પ્રિન્સના પિતા પંકજકુમાર પાંડેને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે તરત જ કંટ્રોલ રૂમ પર ફોન કરીને પોલીસને જણાવ્યું. કંટ્રોલ રૂમે અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાંચના પીએસઓને જાણ કરી, અને તેમણે તરત જ રાત્રે ડ્યુટી પર રહેલી ક્રાઈમ બ્રાંચની ટીમને એલર્ટ કરી અને કાર્યવાહી શરૂ કરી.

ક્રાઈમ બ્રાંચે જુદા જુદા CCTV ફૂટેજ, ટેકનિકલ તપાસ અને ગુપ્ત માહિતીની મદદથી રાત્રે જ તપાસ શરૂ કરી. ઘણા પ્રયત્નો પછી, આખરે બપોરના સમયે પ્રિન્સ પાંડેને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યો અને આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રિન્સ પાસે ઘણી ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ હતી, જેના કારણે આરોપીઓએ તેનો ફાયદો ઉઠાવવા માટે અપહરણનું કાવતરું ઘડ્યું હતું.

Related Posts