નરોડા પોલીસે રૂ. 10 લાખથી વધુનો દારૂ પકડ્યો, બે આરોપીઓની ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ, ૧૮ જુલાઈ, ૨૦૨૫: અમદાવાદ શહેરને દારૂમુક્ત બનાવવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે ખાસ ઝુંબેશ ચલાવી છે. આ ઝુંબેશ તારીખ ૧૬ જુલાઈ થી ૨૨ જુલાઈ, ૨૦૨૫ સુધી ચાલશે. આ દરમિયાન, નરોડા પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જેમાં રૂ. ૧૦,૧૫,૨૧૦/- ની કિંમતનો દારૂ અને બીજી વસ્તુઓ જપ્ત કરીને બે લોકોને પકડ્યા છે.

નરોડા પોલીસ સ્ટેશનના મોટા અધિકારી પી.વી. ગોહીલને ખાનગી માહિતી મળી હતી. તેમને જાણવા મળ્યું હતું કે, એક સફેદ ક્રેટા કાર (નંબર GJ-01 KY-5517) માં ઘણો બધો વિદેશી દારૂ મોટા ચીલોડાથી નાના ચીલોડા ચાર રસ્તા થઈને જઈ રહ્યો છે.

આ માહિતી મળતા જ, પી.વી. ગોહીલ અને તેમની ટીમ, જેમાં દેવેન્દ્રસિંહ રતનસિંહ જેવા પોલીસકર્મીઓ સામેલ હતા, નાના ચીલોડા ચાર રસ્તા પર વોચ ગોઠવીને ઊભા રહ્યા. થોડીવાર પછી, બાતમીવાળી ક્રેટા કાર ત્યાં આવતા જ પોલીસે તેને રોકી દીધી.

કાર તપાસતા, અંદરથી બે લોકો મળ્યા: એક ડ્રાઈવર પ્રવિણકુમાર ધરમચંદ માવાજી (ઉંમર ૩૧, રાજસ્થાનનો રહેવાસી) અને બીજો પુંજીલાલ ફુલાજી ભગોરા (ઉંમર ૪૨, રાજસ્થાનનો રહેવાસી). પોલીસે તેમની પાસેથી ૭૪૨ વિદેશી દારૂની બોટલો અને ૨૮૮ બીયરના ટીન, એમ કુલ ૧૦૩૦ દારૂનો જથ્થો પકડ્યો. આ દારૂની કુલ કિંમત રૂ. ૩,૦૫,૨૧૦/- છે.

પોલીસે દારૂ ઉપરાંત, રૂ. ૧૦,૦૦૦/- ના ૨ મોબાઈલ ફોન અને રૂ. ૭,૦૦,૦૦૦/- ની ક્રેટા કાર પણ જપ્ત કરી. આ રીતે, પોલીસે કુલ રૂ. ૧૦,૧૫,૨૧૦/- નો મુદ્દામાલ પકડ્યો.

નરોડા પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ દારૂબંધીના કાયદા હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આ કામગીરીમાં દેવેન્દ્રસિંહ રતનસિંહ, ચંન્દ્રસિંહ વિક્રમસિંહ, પરબતભાઇ જેરૂપભાઇ, હાર્દિકકુમાર બનેસિંહ, કલ્પેશકુમાર પથુભાઇ, રઘુવિરસિહ ભમ્મરસિંહ અને ઇન્દ્રજીતસિંહ ગણપતસિંહ જેવા પોલીસકર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Related Posts