અમદાવાદ: ૨૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ, અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગીતામંદિર એસટી બસ સ્ટેશન ખાતેથી એક મનોદિવ્યાંગ બાળક બીનવારસુ મળી આવ્યું હતું. નાઈટ ડ્યુટી પર હાજર હોમગાર્ડ જવાનો રાકેશભાઈ પારગી અને દિનેશભાઈ પરમારે બાળકને શોધી કાઢ્યું હતું.
બાળકને કાગડાપીઠ પોલીસ સ્ટેશન લાવ્યા બાદ SHE ટીમ અને ઇન્વેસ્ટિગેશન સ્ક્વોડે બાળકની સંભાળ લીધી. વુમન કોન્સ્ટેબલ ચંદ્રાબેન મકવાણા, હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ વસાવા અને કોન્સ્ટેબલ સુખદેવભાઈએ બાળક સાથે આત્મીયતા કેળવીને તેની પાસેથી માહિતી મેળવી. બાળકે પોતાનું નામ અંશુ, ઉંમર ૧૪ વર્ષ અને સુરત નિવાસી હોવાનું જણાવ્યું, તેમજ પિતાનું નામ પ્રદીપકુમાર ગુપ્તા હોવાનું જણાવ્યું.
પોલીસે તુરંત સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બાળકના પિતાને શોધી કાઢ્યા. પિતા પ્રદીપ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે અંશુ મનોદિવ્યાંગ છે અને કોઈને કહ્યા વગર ઘરેથી જતો રહ્યો હતો. સુરતથી અમદાવાદ આવી, પિતાએ કાગડાપીઠ પોલીસ પાસેથી પુત્રનો કબજો મેળવ્યો. પિતા-પુત્રના આ ભાવવાહી મિલનથી પોલીસ સ્ટેશનમાં હાજર સૌ કોઈ ભાવુક બન્યા હતા.
અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી જયપાલ સિંહ રાઠોડ અને નાયબ પોલીસ કમિશનર શ્રી રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પોલીસે આ માનવતાભર્યું કાર્ય કરી “પોલીસ પ્રજાનો મિત્ર છે” સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું હતું. આ ઘટનાએ પોલીસની સેવા અને સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી.