અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા કલાપીનગર છેલ્લા બસ સ્ટેન્ડ નજીક આવેલી શુભમ હોસ્પિટલ/નર્સિંગ કોલેજની ઓફિસમાં થયેલી ૮ લાખ રૂપિયાની ચોરીના મામલે પોલીસે મહત્વની સફળતા મેળવી છે. આ ગુનામાં સંડોવાયેલી બુરખાધારી મહિલા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે, અને તેની પાસેથી ચોરી થયેલી રકમ પૈકી રૂપિયા ૨,૩૬,૦૦૦/- (બે લાખ છત્રીસ હજાર) રિકવર કરવામાં આવ્યા છે. હાલ આરોપી મહિલાની સઘન પૂછપરછ ચાલી રહી છે.
ગત તારીખ ૨૨/૦૭/૨૦૨૫ ના રોજ સવારના આશરે ૬:૦૦ વાગ્યાના સુમારે, એક અજાણી મહિલા કાળા બુરખામાં ઓફિસમાં પ્રવેશી હતી અને તિજોરીમાંથી રોકડા રૂપિયા ૮,૦૦,૦૦૦/- ની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. આ અંગે શાહીબાગ, હંસપ્રતાપ સોસાયટી, શાંતિ ટાવર સામે રહેતા પ્રહલાદભાઈ મોહનભાઈ પરમારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આસપાસના સીસીટીવી ફૂટેજ, બાતમીદારો અને અન્ય ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપી મહિલાની ઓળખ કરી તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
આરોપીની પૂછપરછ દરમિયાન ચોરી થયેલી રકમ પૈકી રૂ. ૨,૩૬,૦૦૦/- પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. પોલીસ હવે બાકીની ચોરાયેલી રકમ રિકવર કરવા અને આ ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ કેસની વધુ તપાસ પો.ઈ. શ્રી ડી.એસ. પટેલ ચલાવી રહ્યા છે. આ સફળતાથી પોલીસની કાર્યક્ષમતાની સરાહના થઈ રહી છે.