શિક્ષકોને મેળાની કામગીરી સોંપાતા શિક્ષણ ક્યારે? જસદણ અને વિંછીયામાં ઉઠ્યા સવાલ

by Bansari Bhavsar

જસદણ: શ્રાવણ માસ-૨૦૨૫ દરમિયાન ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાનારા લોકમેળા અને ડાયરા માટે જસદણ અને વિંછીયા તાલુકાના શિક્ષકોને VVIP ભોજન વ્યવસ્થા સહિતની કામગીરી સોંપવામાં આવતા ભારે વિવાદ ઉભો થયો છે. આ નિર્ણયથી શિક્ષણવિદો અને વાલીઓ દ્વારા “શિક્ષકો ભણાવશે ક્યારે?” તેવા સવાલો સાથે તંત્રની કામગીરી પર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી, જસદણ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી તા. ૨૫-૦૭-૨૦૨૫ થી પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોવાથી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે મોટા સંખ્યમાં શ્રદ્ધાળુઓ અને ભાવીકો ઉમટી પડશે તેમ જણાવાયું છે. આ શ્રદ્ધાળુઓની ભોજન વ્યવસ્થા અને ડાયરા-લોકમેળાની કામગીરી માટે શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે.

આ પરિપત્ર મુજબ, શિક્ષકોને વી.વી.આઈ.પી. ભોજન સંચાલન, મંડપ વ્યવસ્થા, પાણી વ્યવસ્થા, અને પાર્કિંગ વ્યવસ્થા જેવી કામગીરી સોંપવામાં આવી છે. શિક્ષકોને અલગ-અલગ તારીખો પર સવારના અને બપોરના સમયગાળા દરમિયાન આ કામગીરી કરવાની રહેશે.

આ નિર્ણયથી સ્થાનિક વાલીઓ અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેઓનું કહેવું છે કે, શિક્ષકોનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને ભણાવવાનો છે. જો તેમને આવા બિન-શૈક્ષણિક કાર્યોમાં જોતરવામાં આવશે, તો વિદ્યાર્થીઓના ભણતર પર સીધી અસર પડશે. શ્રાવણ માસ દરમિયાન શાળાઓ ચાલુ હોય છે અને આવા સમયે શિક્ષકોની ગેરહાજરીથી શિક્ષણ કાર્ય ખોરવાશે.

એક વાલીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, “અમારા બાળકોના ભવિષ્યની ચિંતા છે. શિક્ષકો જો મેળાની વ્યવસ્થામાં વ્યસ્ત રહેશે, તો અમારા બાળકોને ભણાવશે કોણ? શું આ રીતે ‘ભણશે ગુજરાત’નું સ્વપ્ન સાકાર થશે?”

આ મામલે શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવાય અને શિક્ષકોને તેમના મૂળભૂત કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા દેવાય તેવી માંગ ઉઠી રહી છે.

 

Related Posts