અમદાવાદ, ૨૪ જુલાઈ, ૨૦૨૫: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં દારૂબંધીના ભંગ પર સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે, પ્રિવેન્શન ઑફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) એ સપાટો બોલાવી દારૂ માફિયાઓને મોટો ફટકો માર્યો છે. PCB એ નારણપુરા, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાછળના વિસ્તારમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ગુપ્ત બાતમીના આધારે PCB ટીમે કાર્યવાહી કરતા, બે કારમાંથી ૨૪૧ શીલબંધ દારૂની બોટલો, બે મોબાઈલ ફોન, બે લક્ઝરી કાર અને રોકડા રૂપિયા સહિત કુલ રૂ. ૧૭,૧૧,૭૪૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીઓ – પુરારામ દેવારામ ચૌધરી અને ઓમપ્રકાશ મોડારામ ચૌધરીને ઝડપી પાડ્યા છે. જોકે, આ કન્સાઇનમેન્ટ પાછળ સંકળાયેલા અબ્દુલ શેખ, રામારામ મુલારામ દરજી, કવરારામ ઉર્ફે કેડી ચૌધરી અને ઓમપ્રકાશ સહિત ચાર મુખ્ય સૂત્રધારો હજુ ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે.
આ ઘટનાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, કારણ કે તેમના વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં દારૂની પ્રવૃત્તિ ચાલી રહી હોવા છતાં તેઓ અજાણ હતા. PCB દ્વારા કરવામાં આવેલી આ સફળ કાર્યવાહીએ સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે ઉજાગર કરી છે.