અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા બે બોગસ ડોકટરો ઝડપાયા: કુલ રૂ. ૩૪,૯૧૩.૭૦/- નો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદ, ૨૯ જુલાઈ, ૨૦૨૫: અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ અને અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધી ચૌધરી સાહેબની સૂચના બાદ, જિલ્લામાં ડિગ્રી વગરના બોગસ તબીબોને પકડી પાડવા માટે સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG) દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે, SOG ટીમે બે અલગ-અલગ દરોડા પાડીને કુલ બે બોગસ ડોકટરોને ઝડપી પાડ્યા છે, જેમની પાસેથી કુલ રૂ. ૩૪,૯૧૩.૭૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Click here to see video

બગોદરાના શિયાળ ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

પ્રાપ્ત માહિતી અનુસાર, SOG પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. રામાણીના માર્ગદર્શન હેઠળ, SOG ના એ.એસ.આઇ. યોગરાજસિંહ નાગભા તથા શક્તિસિંહ છત્રસિંહને મળેલી બાતમીના આધારે બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના શિયાળ ગામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે શિયાળ ગામે હિંમતભાઈ ટપુભાઈ પઢારની દુકાનમાં નામ વિનાનું ક્લિનિક ચલાવતા અને ટીડાભાઈ પઢારના ભાડાના મકાનમાં રહેતા બાસુદેવ હરિદાસ વિશ્વાસ (મૂળ રહે. શાંતિપુર ગુતી પંચાયત, થાના ગ્વાલપુકર, જી. ઉત્તર દિનાસપુર, પ. બંગાળ) ને ઝડપી પાડ્યો હતો. આરોપીએ ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કર્યો હોવા છતાં, એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો હતો અને ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતો હતો. શિયાળ ગામના પી.એચ.સી. મેડિકલ ઓફિસર, ડો. ઋતુરાજ હીરાલાલ ચાવડાના સંકલનમાં રહીને, આરોપી બાસુદેવ હરિદાસ વિશ્વાસ પાસેથી જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડિકલના સાધનો મળી કુલ કિં.રૂ. ૨૧,૫૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ બગોદરા પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાણંદ GIDC માંથી પણ એક બોગસ તબીબ પકડાયો

આ જ ઝુંબેશના ભાગરૂપે, SOG ટીમે સાણંદ GIDC વિસ્તારમાં પણ દરોડો પાડ્યો હતો. S.N. રામાણી, પોલીસ ઇન્સ્પેક્ટર SOG, ના માર્ગદર્શન હેઠળ SOG ના અ.હે.કો. મહેશભાઈ પરસોત્તમભાઈ અને અજીતદાન સાગરદાનને ચોક્કસ બાતમી મળી હતી.

બાતમીના આધારે, શિયાવાડા ગામ, ચોકડી, કલાણા ગામ જવાના રોડની બાજુમાં આવેલી પતરાની દુકાનમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવતા અમિત ખોકમ બીસ્વાસ (મૂળ રહે. બેલગારિયા, તા. હાબડા, જી. ૨૪ પરગણા, પશ્ચિમ બંગાળ; હાલ રહે. શિયાવાડા ગામ, તા. સાણંદ, જી. અમદાવાદ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી અમિત ખોકમ બીસ્વાસે ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કર્યો હોવા છતાં, એલોપેથિક મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે માન્ય ડિગ્રી ન હોવા છતાં, ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો અને ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓ આપતો હતો. ડો. શ્રી ઇશા ચિરાગકુમાર વોરા, મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઝોલાપુર, તા. સાણંદ, જી. અમદાવાદ, ના સંકલનમાં રહીને પોલીસે આરોપી પાસેથી જુદી જુદી કંપનીઓની એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. ૧૩,૩૬૩.૭૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે સાણંદ GIDC પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. રામાણી, પો.સ.ઇ. શ્રી આઇ.કે. શેખ, ડી.વી. ચિત્રા, એ.એસ.આઇ. યોગરાજસિંહ નાગભા, શક્તિસિંહ છત્રસિંહ, ગોપાલસિંહ સરદારસિંહ, અ.હે.કો. મહેશભાઈ પરસોત્તમભાઈ, અજીતદાન સાગરદાન, આ.પો.કો. હર્ષદભાઈ રામાભાઈ, ડ્રા.હે.કો. ભાનુભાઈ ચોથાભાઈ અને પો.કો. હાર્દિકકુમાર રણમલભાઈ સહિતના સ્ટાફે ઉમદા કામગીરી બજાવી હતી.

Related Posts