અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, દક્ષિણ ઝોન વિભાગ દ્વારા જાહેર માર્ગો પર ગંદકી અને ન્યુસન્સ ફેલાવતા ધંધાકીય એકમો સામે સઘન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો અને વ્યક્તિઓ વિરુદ્ધ G.P.M.C. એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ કાર્યવાહી થઈ રહી છે.
આ કાર્યવાહીને વધુ અસરકારક બનાવવા માટે, વોર્ડ સ્ટાફના રાઉન્ડ ઉપરાંત સવાર-સાંજ સ્પેશિયલ સ્ક્વોડ પણ કાર્યરત છે. તાજેતરમાં, 5 ઓગસ્ટ, 2025ના રોજ, દક્ષિણ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કુલ 258 એકમોની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન, જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડતા કૃત્યો બદલ 11 રહેણાંક એકમો અને 99 કોમર્શિયલ એકમો સહિત કુલ 110 નોટિસો ઇશ્યુ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 3.3 કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને રૂ. 1,02,800નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ઉલ્લંઘન કરનાર 13 એકમોને સીલ પણ કરવામાં આવ્યા હતા. જેમાં મણિનગરમાં 3, વટવામાં 1, ઇસનપુરમાં 1, દાણીલીમડામાં 4 અને બેહરામપુરામાં 4 એકમોનો સમાવેશ થાય છે. AMC દ્વારા જાહેર આરોગ્યના ઉમદા હેતુસર શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અને જાહેર રોડ પર ગંદકી ફેલાવતા ધંધાકીય એકમો સામે આગામી દિવસોમાં પણ સખત પગલાં લેવાનું ચાલુ રાખવામાં આવશે.