અમદાવાદ: શહેરમાં ઠગાઈના ગુનાઓમાં અવારનવાર નવા પ્રકારની મોડસ ઓપરેન્ડી સામે આવતી હોય છે, ત્યારે ચાંદખેડા વિસ્તારમાં એક અનોખી ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આશીર્વાદ આપવાના બહાને એક વ્યક્તિના ગળામાંથી ૬૦ હજાર રૂપિયાની કિંમતની સોનાની ચેઇન અને પેન્ડલની ઠગાઈ કરવામાં આવી છે. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગત મુજબ, ચાંદખેડાના મોટેરા વિસ્તારમાં આવેલા કલશકુંજ રેસિડેન્સીમાં રહેતા પ્રકાશભાઈ અમરીભાઈ મિસ્ત્રી (ઉ.વ. ૫૫) તારીખ ૦૨/૦૮/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ પોતાના એક્ટિવા પર અશોક વિહાર સર્કલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક સફેદ રંગની કારના ચાલકે તેમને રોકીને સરનામું પૂછવાના બહાને વાતોમાં ઉતાર્યા હતા.
આ દરમિયાન, કારમાં નગ્ન હાલતમાં બેઠેલા એક પુરુષે પ્રકાશભાઈને કહ્યું કે, “તમને આશીર્વાદ આપવા છે.” અને તે કહીને તેમના ગળામાં પહેરેલી ડાયમંડ જડિત સોનાની ચેઇન અને પેન્ડલ ઉતારી લીધી હતી. ઠગબાજોએ ચેઇન પાછી આપવાનું કહીને પ્રકાશભાઈને વિશ્વાસમાં લીધા હતા, પરંતુ બાદમાં ચેઇન પરત ન આપીને છેતરપિંડી આચરી હતી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આ ઘટના બાદ પ્રકાશભાઈ મિસ્ત્રીએ તારીખ ૦૫/૦૮/૨૦૨૫ના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી આર.એચ. પટેલને સોંપી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. આ પ્રકારની વિચિત્ર ઠગાઈથી સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.