ઈસનપુર પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને દબોચી, લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો

અમદાવાદમાં રિક્ષા મુસાફરોની નજર ચૂકવી ચોરી કરતી કોમલ દંતાણીની ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદ શહેરમાં રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવીને ચોરી કરતી એક મહિલા આરોપીને ઈસનપુર પોલીસે ઝડપી પાડી છે. આ સફળ કામગીરી અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી લાખો રૂપિયાનો ચોરી થયેલો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.

ઘટનાની વિગતો મુજબ, ગત તા. ૦૨/૦૮/૨૦૨૫ ના રોજ બપોરના સમયે વટવાનાં રહેવાસી વર્ષાબેન ભરતભાઈ વિહોલ (ઉં.વ. ૪૫) ઈસનપુર ચાર રસ્તાથી રિક્ષામાં બેસીને ગોવિંદવાડી ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. ગોવિંદવાડી ઉતર્યા બાદ તેમણે જોયું તો તેમના બેગમાં રાખેલ પર્સ ગાયબ હતું. આ પર્સમાં રોકડા ₹૩,૦૦૦ અને સોનાના દાગીના, જેમાં ત્રણ ચેઈન અને એક લકીનો સમાવેશ થાય છે, તે હતા. તેમણે તાત્કાલિક આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મળતા જ, ઈસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.એસ. જાડેજાના માર્ગદર્શન હેઠળ, સબ ઈન્સ્પેક્ટર એન.આર. સોલંકી અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા રિક્ષામાં બેઠેલી એક શંકાસ્પદ મહિલાની ઓળખ થઈ. પોલીસે આ મહિલાની શોધખોળ કરી અને તેને પકડી પાડી. આરોપી મહિલાનું નામ કોમલ વિનોદભાઈ દંતાણી (ઉં.વ. ૨૩) છે અને તે ઈસનપુરની જ રહેવાસી છે.

પોલીસે આરોપીની પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો અને ચોરી થયેલો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો. રિકવર થયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹૩,૧૬,૦૦૦ છે, જેમાં રોકડા ₹૩,૦૦૦ અને સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. દાગીનામાં એક લકી, બે પેન્ડલ અને ત્રણ ચેઈનનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી કોમલ દંતાણીનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તેના પર અગાઉ માધવપુરા પોલીસ સ્ટેશનમાં પણ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ ગુનો નોંધાયેલો છે. હાલ ઈસનપુર પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts