અમદાવાદ: સાયબર ક્રાઇમ બ્રાન્ચે વિદેશમાં નોકરીના નામે ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો

આરોપીઓએ ફરિયાદીને ભારત પરત ફરવા દેવા માટે ₹3,50,000ની માંગણી કરી

by Bansari Bhavsar

​અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે વિદેશમાં નોકરીના નામે થતા સાયબર ક્રાઇમનો પર્દાફાશ કરીને એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસ 7 જૂન, 2025ના રોજ ઇન્ડિયન જસ્ટિસ કોડની વિવિધ કલમો અને આઇટી એક્ટની કલમ 66(ડી) હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ફરિયાદીએ થાઇલેન્ડના બેંગકોકમાં વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને થયેલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

​કેસની વિગત અનુસાર, 6 એપ્રિલ, 2025 થી 22 મે, 2025 દરમિયાન આરોપીઓએ પૂર્વ-આયોજિત કાવતરું રચ્યું હતું. જેમાં અભિષેક સિંહના કહેવાથી કિંજલ શાહે ફરિયાદીને અભિષેક સિંહ સાથે વૉટ્સએપ કૉલ પર વાત કરાવી અને તેમનો નંબર મોકલ્યો હતો. ત્યારબાદ, અભિષેક સિંહે બેંગકોકની એક કંપની “આઇ.ટેક”ના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી નોકરીની લાલચ આપી.

​વૉટ્સએપ વીડિયો કૉલ પર ઇન્ટરવ્યુ લીધા બાદ, આરોપીઓએ ફરિયાદીને થાઇલેન્ડના બેંગકોક બોલાવ્યા હતા અને તેમનો પાસપોર્ટ લઈ લીધો હતો. ત્યારપછી, ફરિયાદીને જંગલ વિસ્તારમાંથી, ચાલીને અને હોડી દ્વારા નહેર પાર કરાવી ગેરકાયદેસર રીતે મ્યાનમારના કે.કે પાર્ક વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા.

​ત્યાં, ફરિયાદીને સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાહિત પ્રવૃત્તિઓની તાલીમ આપવામાં આવી હતી. જ્યારે તેમણે આ તાલીમ લેવાની ના પાડી, ત્યારે તેમને ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવ્યા અને તાલીમ લેવા માટે દબાણ કરવામાં આવ્યું. 19 એપ્રિલ, 2025થી 21 મે, 2025 સુધી તેમને અટકાયતમાં રાખી માનસિક ત્રાસ આપવામાં આવ્યો. ફરિયાદીને ભારત પરત ફરવા દેવા માટે ₹3,50,000ની માંગણી કરવામાં આવી. ફરિયાદીએ આ વાતની જાણ તેમના મિત્ર (ફરિયાદી)ને કરી, જેમણે જુદા-જુદા બેંક એકાઉન્ટ્સમાંથી ગુગલ-પે દ્વારા ₹3,50,000 મોકલ્યા. પૈસા મોકલ્યા પછી, તેમનો પાસપોર્ટ પરત આપવામાં આવ્યો અને તેમને ભારત પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી.

​આ ફરિયાદના આધારે, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે કિંજલ શાહની ધરપકડ કરી છે, જેણે ફરિયાદીના દસ્તાવેજો વૉટ્સએપ દ્વારા અભિષેક સિંહને મોકલ્યા હતા. અન્ય ફરાર આરોપીઓની તપાસ હાલમાં ચાલુ છે.

​🚨 સાયબર ક્રાઇમથી બચવા માટેની ટિપ્સ:

​વિદેશમાં વર્ક પરમિટ આપનાર એજન્સી કે વ્યક્તિ અધિકૃત અને પ્રતિષ્ઠિત છે કે નહીં તેની ખાતરી કરો.

​વિઝા અરજીઓ માટે સરકારી માન્ય વેબસાઇટ્સ, દૂતાવાસો અથવા કોન્સ્યુલેટ્સનો ઉપયોગ કરો.

​અજાણ્યા ઇમેઇલ્સ, કૉલ્સ અથવા મેસેજથી સાવચેત રહો.

​અજાણ્યા અથવા અવિશ્વસનીય વ્યક્તિને વિઝા સેવાઓ માટે ક્યારેય પૈસા ચૂકવશો નહીં.

​જો કોઈ એજન્સી સત્તાવાર દસ્તાવેજો અથવા અધિકૃતતાનો પુરાવો ન આપી શકે તો તેના પર ભરોસો કરશો નહીં.

​વિદેશ જતાં પહેલાં વિઝાની જરૂરિયાતો અને પ્રક્રિયાને સમજો.

​વર્ક પરમિટ માટે સત્તાવાર સરકારી વેબસાઇટ્સ, દૂતાવાસો અથવા કોન્સ્યુલેટ્સનો સંપર્ક કરો.

​ઓફર લેટરની સત્યતા અને અધિકૃતતાની ચકાસણી કરો.

Related Posts