અમદાવાદ: અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશને દારૂબંધી વિરોધી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. પોલીસે S.P. રિંગ રોડ પરથી ₹૧૨.૧૫ લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે એક મહિન્દ્રા XUV-300 ગાડીમાં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બેબીલોન ક્લબ કટ પાસે છટકું ગોઠવી ગાડીને રોકી હતી. તપાસ કરતાં ગાડીમાંથી ૫૪૦ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹૩,૪૫,૩૬૦/- છે.
આ કામગીરીમાં પોલીસે દારૂ ઉપરાંત મહિન્દ્રા XUV-300 ગાડી (કિંમત ₹૮,૦૦,૦૦૦/-) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹૭૦,૦૦૦/-) પણ જપ્ત કર્યો છે. આમ, કુલ ₹૧૨,૧૫,૩૬૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે ભાવેશભાઈ અભુભાઈ દેસાઈ નામના ૨૨ વર્ષીય યુવકની ધરપકડ કરી છે, જે ડ્રાઈવિંગનું કામ કરે છે અને બનાસકાંઠાનો વતની છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ, સંજયભાઈ રાજપુત અને સચિન દેસાઈ, હજુ ફરાર છે. પોલીસે તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આ સફળ કામગીરી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ સહયોગ આપ્યો હતો. આ ઘટના અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.