અમદાવાદ: અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટીસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં બનેલી એક ગંભીર ઘટનાને પગલે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શાળાના આચાર્ય/સંચાલકને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં, શૈક્ષણિક વિભાગે શાળાની ગંભીર બેદરકારી અને ઉદાસીનતા પર સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે શા માટે તેમની શાળાને આપવામાં આવેલ NOC અને માન્યતા રદ ન કરવી.
આ ઘટના ૧૯/૦૮/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૩૦ થી ૧૨:૪૫ કલાકની આસપાસ બની હતી, જેમાં એક વિદ્યાર્થી પર હુમલો થયો હતો. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી લાંબા સમય સુધી શાળાના કમ્પાઉન્ડમાં ગંભીર હાલતમાં પડ્યો રહ્યો, પરંતુ શાળા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. આ ઘટનાની જાણ શાળા દ્વારા શિક્ષણાધિકારી કચેરીને કરવામાં આવી નહોતી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટનાની માહિતી મળ્યા બાદ કચેરી દ્વારા નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો હતો.
નોટિસમાં જણાવાયું છે કે અત્યાર સુધી શાળા દ્વારા આ ઘટના અંગે કોઈ ખુલાસો કે અહેવાલ રજૂ કરવામાં આવ્યો નથી, જે તેમની ગંભીર બેદરકારી અને ઉદાસીનતા દર્શાવે છે.
વધુમાં, નોટિસમાં પોલીસ ઇન્સ્પેક્ટર, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેરના ૨૩/૦૮/૨૦૨૫ ના પત્રનો પણ ઉલ્લેખ છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વિદ્યાર્થીની હત્યાના મામલે શાળાના આચાર્ય, સિક્યોરિટી ગાર્ડ અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૧૧(બી) અને ૨૩૯ હેઠળ તેમની વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
નોટિસમાં અન્ય વાલીઓના જણાવ્યા મુજબ, શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે અનેકવાર વિગ્રહના બનાવો બનતા રહે છે, જેની ફરિયાદ કરવા છતાં શાળા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કચેરીને પણ જાણ કરવામાં આવતી નથી. આ તમામ કારણોસર, જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક ત્રણ દિવસની અંદર આ ઘટના અંગે ખુલાસો રજૂ કરવા આદેશ આપ્યો છે. જો શાળા દ્વારા સમયસર ખુલાસો રજૂ કરવામાં નહિ આવે, તો એકતરફી કાર્યવાહી કરવામાં આવશે અને તેમની NOC અને માન્યતા રદ કરવા અંગે પગલાં લેવામાં આવશે.