​ધાર્મિક ટ્રસ્ટ અને વૃદ્ધાશ્રમોને જમીન અપાવવાના બહાને ઠગાઈ કરનાર શખ્સની ધરપકડ

અમદાવાદ ઝોન-૧ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) સુખદેવ પ્રભુરામ પુરોહિત નામના આરોપીને ઝડપ્યો

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઝોન-૧ દ્વારા ધાર્મિક ટ્રસ્ટ અને વૃદ્ધાશ્રમોને જમીન અપાવવાના બહાને નાણાં પડાવીને ઠગાઈ કરતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

​ઘટના અને ગુનો:

નારણપુરા વિસ્તારમાં આવેલા લક્ષ્મીધામ વૃદ્ધાશ્રમના સંચાલકને સુરેન્દ્ર અને વિજય નામના બે વ્યક્તિઓએ કર્ણાવતી ક્લબ પાછળ જમીન અપાવવાનું કહીને ₹૮૫,૦૦૦ ની છેતરપિંડી કરી હતી. આ મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

​પોલીસ કાર્યવાહી:

પોલીસ કમિશનર જી.એસ. મલિકના આદેશથી, અધિક પોલીસ કમિશનર નિરજકુમાર બડગુજર અને નાયબ પોલીસ કમિશનર સફીન હસનના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી. ઝોન-૧ ના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી. ગઢવીની ટીમે તપાસ હાથ ધરી હતી. હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે, પોલીસે જાણ્યું કે સુરેન્દ્ર અને વિજય નામ ધારણ કરનાર વ્યક્તિ સુખદેવ પ્રભુરામ પુરોહિત છે, જે રાજસ્થાનના જાલોર જિલ્લાના સીલુ ગામનો રહેવાસી છે.

​આરોપીની મોડસ ઓપરેન્ડી (M.O.):

આરોપી સુખદેવ પ્રભુરામ પુરોહિત અલગ અલગ નામ ધારણ કરીને વૃદ્ધાશ્રમો અને ધાર્મિક ટ્રસ્ટના સંચાલકોનો સંપર્ક કરતો હતો. તે તેમને જમીન અપાવવાના બહાને નાણાં મેળવી, પછી પોતાનો મોબાઇલ ફોન બંધ કરીને ભાગી જતો હતો. પકડાયેલ આરોપીની ઉંમર ૩૯ વર્ષ છે અને તે ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે. હાલ તે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આસોપાલવ સોસાયટીમાં રહે છે.

​સફળ કામગીરી:

પોલીસે સુખદેવ પુરોહિતને પકડી પાડીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે નારણપુરા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. એલ.સી.બી. ઝોન-૧ ના પોલીસ સ્ટાફની આ કામગીરી પ્રશંસનીય છે. આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી. ગઢવી સહિત મ.સ.ઇ., અ.હે.કો. અને અ.પો.કો. સ્તરના પોલીસ કર્મચારીઓ સામેલ હતા.

Related Posts