અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલો એક જૂનો કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા એક પૂર્વ NRI, વિશ્રામભાઈ ગામી, સાથે અમદાવાદના બિલ્ડરો દ્વારા રૂ. 11.93 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાયા બાદ કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં હડકંપ મચી ગયો છે.
વિશ્રામભાઈ ગામી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ છેતરપિંડીમાં અમદાવાદના બે બિલ્ડરો કેયુર પટેલ અને કિરણ રાવજી પટેલ, તેમની કંપની કુંજ ઇન્ફ્રા, અને અન્ય કેટલાક લોકો સામેલ છે.
કઈ રીતે થઈ છેતરપિંડી?
વિશ્રામભાઈ ગામીના જણાવ્યા અનુસાર, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મારફતે તેઓ જગદીશભાઈ પટેલના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ કુંજ ઈન્ફ્રાના બિલ્ડરો કેયુર પટેલ અને કિરણ રાવજી પટેલ દ્વારા તેમને અમદાવાદના નિકોલ વિસ્તારમાં જમીન અને દુકાનોમાં રોકાણ કરવા માટે આકર્ષવામાં આવ્યા હતા. તેમને સારા વળતરની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ વચન મુજબ રોકાણનું વળતર ન મળતા, વિશ્રામભાઈએ કોર્ટમાં કેસ કર્યો હતો (સ્પે. દી. મુ. નં. 895/2010).
કોર્ટમાં સમાધાન થયું હતું અને બિલ્ડરોએ વિશ્રામભાઈને તેમના રૂ. 11.93 કરોડના બદલામાં 16 દુકાનો આપવા માટે સંમતિ આપી હતી. આ માટે એલોટમેન્ટ લેટર પણ આપવામાં આવ્યો હતો અને વિશ્રામભાઈએ જંત્રીના પૈસા પેટે કુલ રૂ. 16 લાખ ચૂકવ્યા હતા.
કોર્ટના સમાધાન બાદ પણ છેતરપિંડી
વિશ્રામભાઈના આક્ષેપ મુજબ, કોર્ટના સમાધાન બાદ પણ બિલ્ડરોની છેતરપિંડી ચાલુ રહી. બિલ્ડર કેયુર પટેલે સેવંતીલાલ ફકીરચંદ કંપનીના માલિક અજય ગાંધી સાથે મળીને આ 16 દુકાનો તેમના મુંબઈના કુલમુખ્ત્યાર ડિમ્પલ રમેશભાઈ શાહ અને અર્હમ ડેવલપર્સના માલિક રમેશભાઈ માધવલાલ શાહ સાથે મેળાપીપણું કરીને અમદાવાદના ખાનપુરની રૂપલબેન પરમારને વેચી દીધી.
આ દુકાનો વેચાણના બીજા જ દિવસે મુંબઈની નતાશા શંકર રાવને વેચી દેવામાં આવી. આ રીતે, આ તમામ લોકોએ એકબીજા સાથે કાવતરું રચીને વિશ્રામભાઈના રૂપિયાના બદલામાં આપવાની થતી દુકાનોની અંદરોઅંદર ખરીદી-વેચી કરીને છેવટે તેને અજય ગાંધીએ જ પરત લઈ લીધી. આ રીતે, કોર્ટના સમાધાનમાં મળેલી દુકાનોને બારોબાર સગેવગે કરી દેવામાં આવી.
ક્રાઇમ બ્રાન્ચની તપાસ ફરી શરૂ
આ ગંભીર મામલે જ્યારે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, ફરિયાદની ફરીથી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચના નિષ્ઠાવાન અધિકારીઓ દ્વારા ચાલી રહી છે, પરંતુ વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો છે. આ કેસ ફરીથી સપાટી પર આવતા બિલ્ડર અને ફાઇનાન્સ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.