અમદાવાદના જોધપુર વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં 50 વર્ષના એક વ્યક્તિએ પોતાના જ ઘરમાં ગોળી મારીને આપઘાત કરી લીધો. આ ઘટના શુક્રવારે રાત્રે થઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મરનાર વ્યક્તિનું નામ રમેશ ઠાકોર છે અને તે જોધપુરના જાણીતા કેબલ ઓપરેટર મહેશ ઠાકોરનો ભાઈ હતો. ગોળીનો અવાજ સાંભળીને પરિવારના લોકો તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા, પણ ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
આ બનાવની જાણ થતાં જ આનંદનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી. ઝોન 7ના ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. પોલીસે મૃતકના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાનો ડીવીઆર પણ કબજે કર્યો છે. હાલ, પોલીસ એ તપાસ કરી રહી છે કે તેમણે આવું પગલું કેમ ભર્યું અને તેમની પાસે આ હથિયાર ક્યાંથી આવ્યું.