અરવલ્લી: શામળાજી પોલીસે દારૂની હેરાફેરી કરતા અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને ઝડપી પાડ્યો છે. પોલીસને આરોપી પાસેથી કુલ ₹3.23 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આરોપીની ઓળખ પંકજકુમાર રત્નાભાઈ પરમાર (ઉ.વ. 36) તરીકે થઈ છે, જે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહે છે અને મૂળ અરવલ્લીના બાયડ તાલુકાના આમોદરા ગામનો વતની છે. પંકજકુમાર અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.
શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પંકજકુમારની હ્યુન્ડાઈ એક્સેન્ટ ગાડી નંબર GJ-12-CP-3153 ને રોકી હતી. તપાસ કરતા, ગાડીના ગુપ્ત ખાનામાંથી ₹1,16,355/- કિંમતની વિદેશી દારૂની 390 બોટલો મળી આવી હતી.
પોલીસે આરોપી પાસેથી દારૂ ઉપરાંત એક હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર (કિં. ₹2,00,000), બે મોબાઈલ ફોન (કિં. ₹4,000), રોકડ રકમ ₹5,000, અને પોલીસ આઈકાર્ડ સહિત કુલ ₹3,23,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ, પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ કરી રહી છે.