અમદાવાદ: નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફૂડ સ્ટોલધારકો માટે કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને સ્વચ્છ અને સલામત ખોરાક પૂરો પાડવાનો છે. આ નિયમો અનુસાર, નવરાત્રિ દરમિયાન પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલ ચલાવતા તમામ વેપારીઓ માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ (FSSAI) હેઠળ લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
ફરજિયાત લાઇસન્સ અને કડક નિયમો:
જે વેપારીઓ પાસે FSSAI લાઇસન્સ/રજિસ્ટ્રેશન નથી, તેમણે તાત્કાલિક ઝોન/વોર્ડના ફૂડ સેફ્ટી ઓફિસર પાસેથી જરૂરી દસ્તાવેજો સાથે foscos.fssai.gov.in પર ઓનલાઇન અરજી કરી લાઇસન્સ મેળવી લેવું પડશે. આ કાયદાનું પાલન ન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
નિયમોની યાદી:
કર્મચારીઓ માટે સ્વચ્છતા: ફૂડ સ્ટોલમાં કામ કરતા તમામ કર્મચારીઓએ ફરજિયાત કેપ, હેન્ડગ્લવ્સ અને એપ્રન પહેરવા પડશે. નખ અને વાળ કાપેલા હોવા જોઈએ.
આરોગ્યના ધોરણો: કોઈપણ ચેપી રોગથી પીડાતા ફૂડ હેન્ડલરને સ્ટોલમાં પ્રવેશ અપાશે નહીં. આ નિયમ ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.
ગુણવત્તા અને સલામતી: તૈયાર કરવામાં આવતા ખોરાક માટે ઉપયોગમાં લેવાતા રો-મટિરિયલના લેબલની ખાતરી કર્યા બાદ જ ફૂડ તૈયાર કરવું પડશે.
ફાયર સેફ્ટી: તમામ ફૂડ સ્ટોલમાં આગથી બચાવવા માટેના ફાયર સેફ્ટીનાં સાધનો ફરજિયાત રાખવા પડશે.
ફૂડનું પેકેજિંગ અને સ્ટોરેજ: તૈયાર કરેલો ખોરાક હંમેશા ઢાંકીને રાખવો પડશે.
ખોરાકનો નિકાલ: વાસી કે બગડી ગયેલું ફૂડ વેચવું નહીં અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવો.
એક્સપાયરી ડેટ: એક્સપાયરી ડેટવાળાં ઠંડાં પીણાં, આઈસક્રીમ કે પાણીની બોટલ વેચવી નહીં.
સ્વચ્છતા અને કચરાનું વ્યવસ્થાપન: ફૂડ સ્ટોલની આસપાસની જગ્યામાં સંપૂર્ણ સાફસફાઈ રાખવી. સૂકા અને ભીના કચરા માટે અલગ-અલગ ડસ્ટબિન રાખવી.
પ્લાસ્ટિક પર પ્રતિબંધ: પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો નહીં.
આ નિયમોનું પાલન ન કરનાર સામે મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવશે. આ નિયમોનો અમલ ગરબાના શોખીનોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરો પાડવામાં મદદરૂપ થશે.