અમદાવાદમાં પારિવારિક ઝઘડાનું કરુણ પરિણામ: પતિએ પત્ની અને સાસુને સળગાવતાં ભારે દોડધામ

by Bansari Bhavsar

અમદાવાદ: સરદારનગરના કુબેરનગર પાસેના આઝાદ ચોકમાં આવેલી એક બ્યૂટિપાર્લરની દુકાનમાં આગ લાગતાં અને ધુમાડા સાથે ચીસો સંભળાતા સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. લોકો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા અને જાણ થઈ કે એક પતિએ પોતાની પત્ની અને સાસુ પર જ્વલનશીલ પદાર્થ છાંટીને તેમને સળગાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી બંને મહિલાઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવ બાદ સરદારનગર પોલીસે આરોપી પતિ અશોક રાજપૂતની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર, કુબેરનગરમાં રહેતી એક પરિણીત મહિલા, જે બ્યૂટિપાર્લર ચલાવે છે, તેના અને તેના પતિ અશોક રાજપૂત વચ્ચે ઘણા મહિનાઓથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો. મંગળવારે (23 સપ્ટેમ્બર) રાત્રે અશોક તેની પત્નીના બ્યૂટિપાર્લર પર આવ્યો અને ઝઘડો શરૂ કર્યો. આ સમયે, તેની સાસુ વચ્ચે પડતાં ઝઘડો વધુ ઉગ્ર બન્યો. ગુસ્સે થઈને અશોકે એક જ્વલનશીલ પદાર્થ પત્ની અને સાસુ પર છાંટીને આગ લગાવી અને તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયો.

થોડી જ વારમાં બૂમાબૂમ થતાં આસપાસના વેપારીઓ અને રાહદારીઓ એકઠા થઈ ગયા. લોકોએ દાઝી રહેલી માતા-પુત્રી પર પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી અને તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યાં. બીજી તરફ, આ બનાવની જાણ થતાં જ સરદારનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ મહિપતસિંહ ચંપાવતે જણાવ્યું કે, “પતિએ ઘરકંકાસના કારણે પોતાની પત્ની અને સાસુને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. સદ્ભાગ્યે, બંને મહિલાઓ બચી ગઈ છે અને હાલ તેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમે આરોપી પતિ અશોકની ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલી રહી છે.”

આ ઘટનાએ કુબેરનગર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

Related Posts