અમદાવાદ:
મોબાઇલ પર આવતા અજાણ્યા મેસેજ અને લિંક્સ પર વિશ્વાસ કરવો કેટલો મોંઘો પડી શકે છે, તેનો વધુ એક કિસ્સો શાહીબાગમાં બન્યો છે. ગેસ કનેક્શનનું બિલ ભરવાના નામે સાયબર ઠગોએ પિતા-પુત્રને વાતચીતમાં ફસાવી, એક APK ફાઈલ ડાઉનલોડ કરાવી અને રૂપિયા ૧,૫૭,૦૦૭/- સેરવી લીધા.
પિતા-પુત્ર વચ્ચે વાતચીત અને છેતરપિંડી
શાહીબાગ કેમ્પ રોડ પર દુકાન ધરાવતા ભૂપેશભાઈ સોની ને તારીખ ૨૯/૦૯/૨૦૨૫ ના રોજ બપોરે એક વોટ્સએપ મેસેજ આવ્યો. મેસેજ મોકલનારે પોતાને ગેસ કંપનીના પ્રતિનિધિ તરીકે રજૂ કર્યો અને કહ્યું કે ગેસ કનેક્શનનું બિલ ભરવાની છેલ્લી તારીખ છે, નહીંતર કનેક્શન કપાઈ જશે.
ભૂપેશભાઈએ તેમને કહ્યું કે તેમણે તો બિલ ભરી દીધું છે અને તેની રસીદ પણ મોકલી.
ઠગ: (બીજા નંબર પરથી) “તમારું પેમેન્ટ સર્વર ડાઉન હોવાને કારણે રિફ્લેક્ટ નથી થતું. તમે આ APK ફાઇલ ડાઉનલોડ કરીને ફરી નાનું પેમેન્ટ કરી દો, એટલે કનેક્શન ચાલુ થઈ જશે.”
ભૂપેશભાઈએ ફાઇલ ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ તે ખૂલી નહીં. આથી, તેમણે ગાંધીનગરમાં રહેતા તેમના પુત્ર માલવ સોની ને તે ફાઇલ ફોરવર્ડ કરી અને કહ્યું, “આ ગેસનું બિલ ભરવાનું કંઈક ગોટાળો છે, તું જરા ચેક કરી લે.”
માલવે તરત જ ઠગે આપેલા બીજા નંબર પર (૯૫૦૮૧૬૩૬૩૨) ફોન કર્યો.
માલવ: “મારે ગેસ કનેક્શનનું વેરીફિકેશન કરાવવું છે. શું પ્રોબ્લેમ છે?”
ઠગ: (માલવ પાસેથી કનેક્શનની વિગતો મેળવીને, વિશ્વાસ અપાવતા) “હા, તમારું જ કનેક્શન છે અને તમારું બિલ હજી પેન્ડિંગ બતાવે છે. તમે પેમેન્ટ માટે મોકલેલી APK ફાઇલ ઓપન કરી દો, એટલે બધું સેટ થઈ જશે.”
માલવને ઠગની વાત સાચી લાગી, અને તેણે જેવી ફાઇલ ઓપન કરી, કે તરત જ તેનો ફોન હેક થઈ ગયો.
માતાના ખાતામાંથી પૈસા ગાયબ
થોડી જ વારમાં, માલવના ગેસ કનેક્શન સાથે લિંક કરાયેલા તેના માતાના બેન્ક ખાતામાંથી ટુકડે ટુકડે રૂપિયા ૧,૫૭,૦૦૭/- અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા.
છેતરપિંડી થઈ હોવાનું સમજાતા, માલવ સોનીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આ સાયબર ફ્રોડ મામલે ગુનો નોંધીને તપાસ પો.ઇ. શ્રી એમ.એ. આંબલીયાને સોંપી છે.
પોલીસની ચેતવણી
પોલીસે લોકોને અપીલ કરી છે કે, કોઈ પણ અજાણી વ્યક્તિ દ્વારા મોકલાયેલી APK ફાઇલ કે લિંકને ક્યારેય ઓપન ન કરવી. આવી ફાઇલો ફોનને હેક કરીને બેન્ક ખાતાની વિગતો ચોરી લે છે. ગેસ કે ઇલેક્ટ્રિસિટી કંપનીઓ ક્યારેય આ રીતે વોટ્સએપ પર ફાઇલ મોકલીને પેમેન્ટ કરાવતી નથી.