અમદાવાદ: 20 ઓક્ટોબરના રોજ દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડા ફોડવાને કારણે અમદાવાદના વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ મોટા પ્રમાણમાં વધ્યું હતું. શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) રાત્રે 300ને પાર કરી ગયો હતો, જે સૂચવે છે કે હવા ‘ખૂબ જ ખરાબ’ અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે ‘જોખમકારક’ બની ગઈ હતી.
રાજ્ય સરકાર દ્વારા રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હોવા છતાં, મોડી રાત સુધી ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આના પરિણામે દિવાળીની આખી રાત હવા અત્યંત હાનિકારક રહી હતી, જેના કારણે નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા જેવી સ્થિતિ ઊભી થઈ હતી. રાત્રે બહાર નીકળેલા લોકોને મોઢે બાંધીને ફરજિયાતપણે નીકળવું પડ્યું હતું.
સવારે પણ હવા ખરાબ:
બીજા દિવસે, એટલે કે 21 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યા સુધીમાં પણ અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ખરાબ જ રહી હતી. AQI ઘટીને 187 પર પહોંચ્યો હતો, જે હજુ પણ ‘સાધારણ’થી ઉપર અને નાનાં બાળકોથી લઈને વૃદ્ધો માટે હાનિકારક ગણાય છે. સવારથી વાતાવરણ પણ વાદળછાયું હોવાથી પ્રદૂષણ અને ધુમ્મસનું મિશ્રણ જોવા મળ્યું હતું.
ચાંદખેડા, બોપલ સહિતના વિસ્તારોમાં જોખમકારક હવા:
agi.in વેબસાઈટ મુજબ, શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શીલજ, સાયન્સસિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી ઉપર જ જોવા મળ્યો હતો, જે આરોગ્ય માટે જોખમકારક સ્થિતિ દર્શાવે છે. હવામાં પ્રદૂષણનું પ્રમાણ એટલું વધારે ફેલાયું હતું કે બહાર ફટાકડા ફોડતા લોકોના શ્વાસમાં આ પ્રદૂષિત હવા જવાને કારણે તેમને પણ તકલીફ પડી હતી.
એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) શું છે?
AQI એ વાયુ-પ્રદૂષણનું સ્તર માપવા માટેનો એક માપદંડ છે, જે 0 થી 500 વચ્ચે હોય છે.
| AQI રેન્જ | ગુણવત્તા | અસર |
|—|—|—|
| 0-100 | સારી/સાંતોષજનક | ઓછી જોખમકારક |
| 101-200 | સાધારણ | સંવેદનશીલ લોકોને શ્વાસમાં તકલીફ |
| 201-300 | ખરાબ | મોટાભાગના લોકોને શ્વાસમાં તકલીફ |
| 301-400 | ખૂબ જ ખરાબ | લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ |
| 401-500 | અત્યંત ખરાબ | તંદુરસ્ત લોકોને પણ સ્વાસ્થ્ય પર ગંભીર અસર |
અમદાવાદમાં દિવાળીની રાત્રે 300નો આંકડો પાર થવો એ ગંભીર સ્થિતિ સૂચવે છે, જેના કારણે નાગરિકોને, ખાસ કરીને નાનાં બાળકો અને વૃદ્ધોને, પ્રદૂષિત હવાના કારણે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.