વડોદરાની સ્કૂલમાં ફરજ દરમિયાન મહિલા BLO સહાયકનું હાર્ટ એટેકથી કરુણ મોત; તબીબોએ મૃત જાહેર કર્યા.

ગુજરાતમાં ૪ દિવસમાં BLOની ફરજ પર ૪ કર્મચારીઓના મોતથી ખળભળાટ

by Bansari Bhavsar

વડોદરા: ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીના અસહ્ય ભારણના કારણે ગુજરાતમાં શિક્ષકો અને કર્મચારીઓના મોતના સિલસિલાએ ગંભીર ચિંતા જગાવી છે. માત્ર ચાર દિવસના ગાળામાં BLOની ફરજ સાથે જોડાયેલા ચાર કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે.

વડોદરામાં BLO સહાયકનું કરુણ મોત

વડોદરા શહેરમાં આજે (૨૨ નવેમ્બર) એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએલઓ (BLO) સહાયક તરીકે ફરજ બજાવી રહેલા **ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી (ઉં.વ. ૫૦)**નું કામગીરી દરમિયાન અચાનક ઢળી પડતા કરુણ મોત નીપજ્યું છે.

ગોરવા મહિલા આઇટીઆઇ (ITI) ખાતે નોકરી કરતા ઉષાબેન ફરજ પર હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક રીતે, તેમના મોત પાછળ હાર્ટ એટેક જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સિસ્ટમનો ભોગ: ગીર સોમનાથના શિક્ષકનો આપઘાત

આ કરુણ ઘટનાઓની વચ્ચે, ગીર સોમનાથના કોડીનારમાંથી આવેલો કિસ્સો સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી મૂકનારો છે. છારા કન્યા શાળાના શિક્ષક અરવિંદ વાઢેરએ SIRની કામગીરીના અસહ્ય દબાણથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે.

વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે શિક્ષકોને BLO અને SIR જેવી કામગીરીમાં જોતરી દેતી ‘ઉપલી કચેરી’ના દબાણે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. કામના બોજાએ આ શિક્ષકને એટલી હદે માનસિક રીતે તોડી નાખ્યા કે તેમણે મોતને વહાલું કરવું પડ્યું. આ ઘટના શિક્ષણ વ્યવસ્થાના ગાલ પર તમાચા સમાન છે.

અન્ય બનાવો અને કામગીરીનું ભારણ

* તાપી: તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મૃત્યુ થયું છે.

* ખેડા: આ પહેલાં ખેડા જિલ્લામાં પણ બીએલઓની કામગીરી કરતા દરમિયાન એક શિક્ષકનું હાર્ટ-એટેકથી મોત થયું હતું.

વધતા જતા તણાવના આક્ષેપો:

કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે હાલ BLOને શાળા/સરકારી ફરજ સાથે વધારાનું ચૂંટણી કામ સંભાળવાનું દબાણ છે. ટાર્ગેટ સમયસર પૂર્ણ કરવા માટે રાત્રે મોડા સુધી કામ અને વહેલી સવારે ફિલ્ડમાં જવાની ફરજ પાડવામાં આવે છે. અધિકારીઓનું દબાણ અને વારંવાર ફોન કોલ/મેસેજથી સતત મોનિટરિંગ કરવાના કારણે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

ક્યાં સુધી શિક્ષકોને શિક્ષણ સિવાયના કામોમાં પીસવામાં આવશે?

 

Related Posts