નરોડામાં પાન પાર્લર પર પોલીસના દરોડા: પ્રતિબંધિત ‘ગોગો પેપર’ વેચતો શખ્સ ઝડપાયો

​યુવાધનને નશાના માર્ગે ધકેલતા રોલિંગ પેપર પકડાયા; નરોડા પોલીસે એક વેપારીની કરી ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં યુવાધનને નશાના માર્ગે વાળતા રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. ગુજરાત સરકારના જાહેરનામાના અમલીકરણ માટે નરોડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક પાન પાર્લર પર દરોડો પાડી ગેરકાયદેસર રીતે ‘ગોગો પેપર’ (રોલિંગ કોન) વેચતા એક ઇસમને ઝડપી પાડ્યો છે.

​શું હતી સમગ્ર ઘટના?

​નરોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન સાંજના સમયે નરોડા GIDC ગેટ-૧ પાસે આવેલી ‘જયુસ પાન પાર્લર’ નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનના કાઉન્ટર પરથી ગ્રીન કલરનું એક બોક્સ મળી આવ્યું હતું, જેમાં નશા માટે વપરાતા ‘STASH PRO ROLLED CONE’ મળી આવ્યા હતા.

​આરોપીની અટકાયત અને મુદ્દામાલ

​પોલીસે સ્થળ પરથી આશરે ₹225ની કિંમતના કુલ 15 નંગ પ્રો-રોલ્ડ કોન કબજે કર્યા છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે, જેની વિગતો નીચે મુજબ છે:

​આરોપીનું નામ: રામવીરસીંગ શ્રીફલ ગુર્જર (ઉંમર: 36 વર્ષ)

​રહેઠાણ: આત્રેય એલીગન્સ, રણાસણ ટોલ પ્લાઝા પાસે, નરોડા

​પોલીસની કડક કાર્યવાહી

​ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સગીરો અને યુવાઓમાં વધતા નશાના ચલણને રોકવા માટે રોલિંગ પેપર અને ગોગો પેપર જેવા સાધનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સૂચનાના આધારે નરોડા પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. ગોહીલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.આર. ચૌધરી અને તેમની ટીમે આ સફળ કામગીરી કરી હતી.

Related Posts