અમદાવાદ: ખાડિયાની સાંકડી ગલીઓ અને હજીરાની પોળમાં જેનો ભય હતો, તે મોન્ટુ નામદારના ગુનાહિત સામ્રાજ્ય પર આજે કાયદાએ આખરી મહોર લગાવી દીધી છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે વર્ષ 2022ના ચકચારી રાકેશ મહેતા હત્યા કેસમાં મોન્ટુ નામદાર સહિત તેના ચાર સાગરીતોને આજીવન કેદની સજા ફટકારીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો સર્વોપરી છે.
મિત્રતાની કિંમત રાકેશે જીવ આપીને ચુકવી
આ કેસ માત્ર બે જૂથ વચ્ચેની લડાઈ નહોતો, પરંતુ એક મિત્રની વફાદારીની કરુણ કથા પણ હતો. પવન ગાંધી નામના વ્યક્તિ સાથે મોન્ટુના કૌટુંબિક સંબંધો વણસ્યા હતા. પવનના મિત્ર રાકેશ મહેતા મુશ્કેલીના સમયમાં તેમની પડખે ઉભા રહેતા હતા. આ જ બાબત ‘અહમ’માં રાચતા મોન્ટુ નામદારને ખટકી હતી. 2022ની એક સાંજે, રાકેશ પર થયેલો અમાનવીય હુમલો એ સાબિત કરવા માટે હતો કે મોન્ટુની વિરુદ્ધ ઉભા રહેનારનું શું પરિણામ આવે છે.
રાજકીય અને પોલીસ પીઠબળ છતાં ન્યાયની જીત
મોન્ટુ નામદાર વિશે ચર્ચાઓ હતી કે તેને મોટા ગજાના IPS અધિકારીઓ અને સરકારી બાબુઓનું સંરક્ષણ છે. તેની જુગારની ક્લબ અને વગદાર સંપર્કોને કારણે તે પોલીસ કસ્ટડીમાંથી ભાગવામાં પણ સફળ રહ્યો હતો. અસલાલી ફાર્મ હાઉસથી ફરાર થઈને તેણે પોલીસ તંત્રને પડકાર ફેંક્યો હતો. જોકે, આખરે સત્યનો વિજય થયો અને કોર્ટે તમામ પુરાવાઓને આધારે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પરિવારનો વર્ષો જૂનો સંઘર્ષ
આ ઘટના પાછળ 1992થી ચાલી આવતી એક પારિવારિક અદાવત જવાબદાર હતી. પવનની બહેન સાથે મોન્ટુએ સમાજની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા ત્યારથી બંને પરિવારો વચ્ચે દુશ્મનીના બીજ રોપાયા હતા. આ દાયકાઓ જૂની અદાવતમાં નિર્દોષ રાકેશ મહેતાનો ભોગ લેવાયો, જેમના પરિવાર માટે આજનો ચુકાદો આશ્વાસનરૂપ બન્યો છે.
સજા પામેલા ગુનેગારો:
મોન્ટુ ઉર્ફે નામદાર ગાંધી: (મુખ્ય સૂત્રધાર)
વિશ્વ રામી
જયરાજ દેસાઈ
સુનિલ બજાણિયા
કોર્ટે આ તમામ પર કલમ 302 (હત્યા) અને 120(B) (ષડયંત્ર) મુજબ ગુનો સાબિત માની આજીવન કેદ ફટકારી છે. ખાડિયાના રહિવાસીઓએ આ ચુકાદાને આવકાર્યો છે, અને ભયમુક્ત વાતાવરણની આશા વ્યક્ત કરી છે.