ગાંધીનગર: નવરાત્રિ પાસના નામે ₹4.50 લાખની છેતરપિંડી, ઠગબાજે એડિટ કરેલા સ્ક્રીનશોટ મોકલી ખેલૈયાઓને છેતર્યા

by Bansari Bhavsar

ગાંધીનગર:

ગાંધીનગરના ઇન્ફોસિટી ક્લબ ખાતે આયોજિત નવરાત્રિ ઇવેન્ટમાં ટિકિટના પૈસા ચૂકવ્યા વગર છેતરપિંડી આચરવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ભેજાબાજ શખ્સે ઇવેન્ટ મેનેજરને વિશ્વાસમાં લઈ, ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કર્યાના ખોટા સ્ક્રીનશોટ મોકલી ₹4.50 લાખના પાસ મેળવી લીધા હતા. આ મામલે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

​શું છે સમગ્ર ઘટના?

​અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને ‘સફેદ પરીંદે ઇવેન્ટ મેનેજમેન્ટ’ કંપની ચલાવતા નમ્રતાબેન પટવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત નવરાત્રિ દરમિયાન ઇન્ફોસિટી ક્લબ ખાતે તેમની કંપની દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક પાસની કિંમત ₹10,000 નક્કી કરવામાં આવી હતી.

​આ દરમિયાન ઋષિલ શાહ નામના શખ્સે નમ્રતાબેનનો સંપર્ક કર્યો હતો અને બે દિવસમાં અલગ-અલગ કટકે કુલ 45 પાસની માંગણી કરી હતી.

​ખોટા સ્ક્રીનશોટ મોકલી આચરી છેતરપિંડી

​ઋષિલ શાહે નમ્રતાબેન પાસેથી બેંક ડિટેલ્સ મંગાવી હતી અને થોડીવારમાં ₹1,40,000 તથા ₹3,10,000 ટ્રાન્સફર થઈ ગયા હોવાના ‘ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ’ના સ્ક્રીનશોટ વોટ્સએપ પર મોકલી આપ્યા હતા. પેમેન્ટ થઈ ગયું છે તેમ માનીને નમ્રતાબેને પોર્ટર (ડિલિવરી સર્વિસ) મારફતે પાસ મોકલી આપ્યા હતા.

​બેંકમાં તપાસ કરતા ભાંડો ફૂટ્યો

​ઇવેન્ટ પૂર્ણ થયા બાદ જ્યારે નમ્રતાબેને બેંક એકાઉન્ટ ચેક કર્યું ત્યારે માલૂમ પડ્યું કે ખાતામાં એક પણ રૂપિયો જમા થયો ન હતો. આ બાબતે ઋષિલ શાહને પૂછતા તેણે બહાનું કાઢ્યું હતું કે, “મેં RTGS કર્યું છે એટલે પૈસા કપાઈ ગયા છે, થોડીવારમાં જમા થઈ જશે.” પરંતુ લાંબો સમય વીતવા છતાં નાણાં ન મળતા તપાસ કરતા જાણવા મળ્યું કે ઋષિલ શાહ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે.

​પોલીસ કાર્યવાહી

​નમ્રતાબેને જ્યારે પૈસાની કડક ઉઘરાણી કરી ત્યારે આરોપીએ ધમકી આપી હતી કે “જે થાય તે કરી લો, પૈસા નહીં મળે.” અંતે, નમ્રતાબેન પટવાએ ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટેકનિકલ પુરાવા અને વોટ્સએપ ચેટના આધારે આરોપી ઋષિલ શાહની શોધખોળ હાથ ધરી છે.

Related Posts