અમદાવાદ:
અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક બંગલામાં ઘૂસીને છરીની અણીએ લૂંટ ચલાવનાર ટોળકીના બે સાગરીતોને સરખેજ પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ અન્ય એક બંગલામાં લૂંટ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ પોલીસે તેમને દબોચી લીધા હતા.
શું હતી ઘટના?
ગત ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રાત્રિના સમયે ફરિયાદી પોતાના ઘરમાં સુઈ રહ્યા હતા. તે દરમિયાન ચાર અજાણ્યા શખ્સો હાથમાં છરીઓ લઈને ઘરમાં પ્રવેશ્યા હતા. લૂંટારુઓએ ફરિયાદીના હાથ-પગ પકડી, મોઢું દબાવી ગળા પર છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેઓએ ઘરમાંથી રૂ. ૧,૦૦,૦૦૦ રોકડા અને ઇમિટેશન જ્વેલરી મળી કુલ રૂ. ૧,૨૫,૦૦૦ની લૂંટ ચલાવી હતી.
પોલીસને કેવી રીતે મળી સફળતા?
આ ગુનાને ઉકેલવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માહિતી મળી હતી કે આ ટોળકી શીલજ વિસ્તારમાં વધુ એક બંગલામાં લૂંટ કરવાનું કાવતરું ઘડી રહી છે. પોલીસે વોચ ગોઠવીને બે આરોપીઓની ધરપકડ કરી હતી:
૧. જીવરામ ઉર્ફે જીવા ભગોરા (ઉંમર ૧૮ વર્ષ, રહે. ડુંગરપુર, રાજસ્થાન).
૨. હાજા ઉર્ફે ગોવિંદ રોત (ઉંમર ૨૩ વર્ષ, રહે. ડુંગરપુર, રાજસ્થાન).
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલા આરોપીઓ પૈકી હાજા ઉર્ફે ગોવિંદ સામે અગાઉ પણ વસ્ત્રાપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને ચોરીના ગુના નોંધાયેલા છે. આ કેસમાં અગાઉ રાહુલ અહારી નામના એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે ફરિયાદીના ઘરે જ નોકર તરીકે કામ કરતો હતો. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.