નરોડા પોલીસની મોટી કાર્યવાહી: નકલી લાયસન્સ અને બાર બોરની બંદૂક સાથે યુવક ઝડપાયો

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં ગુનાખોરી અટકાવવા અને ગેરકાયદેસર હથિયારો પકડવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે નરોડા પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે. નરોડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને ૧૨ બોરની ગન અને નકલી લાયસન્સ સાથે ધરપકડ કરી છે.

​કઈ રીતે ઝડપાયો આરોપી?

​નરોડા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.વી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે સાંજના સમયે નરોડા રિંગ રોડ પર ગાયત્રી ફાર્મ ત્રણ રસ્તા પાસે એક શંકાસ્પદ વ્યક્તિ કાળા રંગની સફારી પહેરીને ઉભો હતો. તેના ખભા પર બાર બોર જેવું હથિયાર જોઈ પોલીસે તેની પૂછપરછ કરી હતી.

​આરોપીની વિગત

​પકડાયેલ આરોપીનું નામ વિક્રમસિંહ જગદીશસિંહ ચૌહાણ (ઉંમર ૪૫ વર્ષ) છે. તે મૂળ ઉત્તર પ્રદેશના ફારુકાબાદ જિલ્લાના કાયમગંજ તાલુકાનો વતની છે અને હાલ અમદાવાદમાં હંસપુરા વિસ્તારમાં રહે છે.

​ઓનલાઈન તપાસમાં ફૂટ્યો ભાંડો

​આરોપીએ પોલીસને યુપીનું હથિયાર લાયસન્સ બતાવ્યું હતું. જોકે, પોલીસે સતર્કતા દાખવીને ભારત સરકારના NDALS-ALIS પોર્ટલ પર તપાસ કરતા આ લાયસન્સનો કોઈ રેકોર્ડ મળી આવ્યો ન હતો. આથી લાયસન્સ નકલી હોવાનું સાબિત થયું હતું.

​શા માટે રાખતો હતો હથિયાર?

​પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે વર્ષ ૨૦૦૩માં ફારુકાબાદના જ મુરલી ધાનુ નામના વ્યક્તિ પાસેથી ૪૫,૦૦૦ રૂપિયામાં આ હથિયાર અને લાયસન્સ ખરીદ્યા હતા. તે ગુજરાતમાં સિક્યુરિટી ગાર્ડની નોકરીમાં વધુ પગાર મેળવવાની લાલચે આ નકલી લાયસન્સનો ઉપયોગ કરતો હતો.

​પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ:

​પોલીસે આરોપી પાસેથી કુલ ૧૨,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં:

​એક ૧૨ બોરની બંદૂક (કિંમત રૂ. ૧૦,૦૦૦)

​૫ જીવતા કારતૂસ (કિંમત રૂ. ૭૦૦)

​એક બનાવટી લાયસન્સ

​એક મોબાઈલ ફોન અને હથિયારનું કવર

​હાલમાં નરોડા પોલીસે આર્મ્સ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને હથિયાર આપનાર મુરલી ધાનુને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts