અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: ચેઈન સ્નેચિંગ કરતી કડીની ગેંગના ૪ સાગરીતો ઝડપાયા

અમદાવાદ: રાત્રે વોકિંગ કરતી મહિલાઓને નિશાન બનાવતી કડીની ટોળકી ઝડપાઈ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં રાત્રિના સમયે વોકિંગમાં નીકળતી મહિલાઓને નિશાન બનાવી ચેઈન સ્નેચિંગ કરતી કડીની એક રીઢી ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી સોનાની ચેઈન અને વાહન મળી કુલ રૂ. ૨,૧૧,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

​કેવી રીતે આચરતા ગુનો?

​આ ગેંગના તમામ સભ્યો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કુંડાણ ગામના રહેવાસી છે. તેઓ રાત્રે ૮ થી ૧૦ વાગ્યાના સમયે અમદાવાદ શહેરના છેવાડાના વિસ્તારોમાં બાઇક લઈને આવતા હતા. રસ્તા પર એકલી જતી અથવા વોકિંગ કરતી મહિલાઓના ગળામાંથી ચેઈન આંચકીને તેઓ તરત જ પોતાના ગામ ભાગી જતા હતા.

​સાબરમતી રિવરફ્રન્ટ પાસેથી થઈ ધરપકડ

​ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ ગેંગ ચોરીના દાગીના વેચવા માટે અમદાવાદ આવી રહી છે. આ બાતમીના આધારે ૧૯ જાન્યુઆરીના રોજ રાત્રે સાબરમતી રિવરફ્રન્ટ (ઈસ્ટ) રોડ પર સ્વામી વિવેકાનંદ બ્રિજ નીચેથી ચારેય આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા.

​૯ થી વધુ ગુનાઓની કબૂલાત

​પોલીસ પૂછપરછમાં આરોપીઓએ છેલ્લા ત્રણ મહિનામાં ૯ થી વધુ ચેઈન સ્નેચિંગ કર્યા હોવાની કબૂલાત કરી છે. જેમાંથી સોલા પોલીસ સ્ટેશનના ૪ ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે, જ્યારે અન્ય ૫ ગુનાઓ બાબતે તપાસ ચાલુ છે. આરોપીઓએ સોલા રોડ, ગોતા, ચાંદલોડિયા અને ભાગવત રોડ જેવા વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો.

​ઝડપાયેલા આરોપીઓની વિગત:

​૧. રજની બચુજી ઠાકોર (૨૮): અગાઉ સોલા, સાબરમતી અને ગાંધીનગરમાં ગુના નોંધાયેલા છે.

૨. સંદીપ ઉર્ફે ગુંદી કાંતિભાઈ પટેલ (૨૩): બોપલ પોલીસ સ્ટેશનમાં અગાઉ પકડાઈ ચૂક્યો છે.

૩. મહેશ ઉર્ફે ટીનુ ઉર્ફે લટ્ટુ કાલાજી ઠાકોર (૩૮): આ આરોપી સૌથી રીઢો છે, જેની સામે કડી, વિસનગર, કલોલ, સાબરમતી અને ચાંદખેડામાં ૧૦ થી વધુ ગુના છે અને તે ‘પાસા’ (PASA) હેઠળ જેલ પણ જઈ આવ્યો છે.

૪. ભરતજી ભીખાજી ઠાકોર (૩૧): કુંડાણ ગામનો રહેવાસી અને ગેંગનો સાગરીત.

Related Posts