અમદાવાદ: શહેરમાં યુવાધનને નશાના માર્ગે જતું અટકાવવા માટે અમદાવાદ પોલીસ સતર્ક બની છે. આ અભિયાન અંતર્ગત વટવા પોલીસે અંબિકા બ્રિજ નીચે છાપરામાં ગેરકાયદેસર રીતે ગાંજાની પડીકીઓ બનાવીને વેચતા એક 64 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો છે.
ગુપ્ત બાતમીના આધારે રેડ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી નશાકારક પદાર્થો શોધી કાઢવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વટવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના કોન્સ્ટેબલ યશપાલસિંહ અને મુકેશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, વટવા અંબિકા બ્રિજ પાસે આવેલા સદભાવના ચાર માળિયાની પાછળ એક વ્યક્તિ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે અંબિકા ટ્યુબવેલના છાપરામાં દરોડો પાડતા એક વ્યક્તિ ગેરકાયદેસર માદક પદાર્થ (ગાંજો) વેચતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
ઝડપાયેલ આરોપીની વિગત
નામ: નારાયણલાલ રાજબલી પાલ (ઉંમર વર્ષ 64)
સરનામું: અંબિકા ટ્યુબવેલના છાપરા, અંબિકા બ્રિજ નીચે, વટવા, અમદાવાદ. (મૂળ રહેવાસી: ઉત્તર પ્રદેશ)
પોલીસ કાર્યવાહી
પોલીસે આરોપીના કબજામાંથી ગાંજાની પડીકીઓ જપ્ત કરી છે. આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ (નશાબંધી કાયદો) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આરોપી આ નશાકારક પદાર્થ ક્યાંથી લાવતો હતો અને બીજા કોણ કોણ આ વેપારમાં સામેલ છે.
કામગીરી કરનાર ટીમ
આ સફળ કામગીરી વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એ. કરમુર, પી.આઈ. એચ.ડી. સોઢા, પી.એસ.આઈ. એ.બી. ગંધા અને તેમની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી.