અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે થયેલી સનસનાટીભરી હત્યાના કેસમાં ગાયકવાડ હવેલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે. જૂની અદાવતમાં એક યુવકની ઘાતક હથિયાર વડે હત્યા કરનાર મુખ્ય આરોપી સહિત ત્રણ શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મૃતક આકાશ બાબુભાઈ ઓડ અને મુખ્ય આરોપી મીત ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડ વચ્ચે તારીખ ૨૦/૦૧/૨૦૨૬ના રોજ રાત્રે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ અદાવત મનમાં રાખીને આરોપી મીત અને તેના મિત્રોએ આકાશને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું.
ગઈકાલે તારીખ ૨૧/૦૧/૨૦૨૬ની રાત્રે આશરે ૧૦ વાગ્યાની આસપાસ, જ્યારે આકાશ તેના મિત્રો સાથે જઈ રહ્યો હતો, ત્યારે આરોપીઓએ તેનો પીછો કર્યો હતો. જમાલપુર અલંકાર ડ્રાઇવિંગ સ્કૂલ પાસે આરોપીઓએ આકાશને આંતરી લીધો હતો અને મીત ઉર્ફે લાલાએ પોતાની પાસે રહેલા ઘાતક છરા વડે આકાશના પેટના ભાગે તથા શરીરે ગંભીર ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું મોત નિપજ્યું હતું.
પોલીસની ત્વરિત કાર્યવાહી
હત્યાની જાણ થતા જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર, સેક્ટર-૧ ના સંયુક્ત પોલીસ કમિશનર અને ઝોન-૩ ના નાયબ પોલીસ કમિશનર દ્વારા આરોપીઓને સત્વરે પકડવા સૂચના આપવામાં આવી હતી. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના સીનિયર પી.આઈ. ચિરાગ ગોસાઈના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, વિસ્તારના CCTV ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને ગણતરીના કલાકોમાં જ ત્રણેયને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ:
મીત ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડ (ઉં.વ. ૨૦): રહે. બહેરામપુરા, મૂળ વતન- રાધનપુર.
સાહીદ અમઝદખાન પઠાણ: રહે. હાજીબાવાના છાપરા, દાણીલીમડા.
સોહીલ ઇદરીશભાઈ નીરાશી (ઉં.વ. ૧૯): રહે. શાહઆલમ નગર, દાણીલીમડા.
સારી કામગીરી કરનાર ટીમ
આ ગુનાનો ભેદ ઉકેલવામાં પી.આઈ. ચિરાગ ગોસાઈ, પી.એસ.આઈ. એચ.ટી. સોલંકી તથા સર્વેલન્સ સ્ક્વોડના માણસોએ પ્રશંસનીય કામગીરી કરી છે. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧), ૫૪ અને જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.