અમદાવાદ:
રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ અને પોલીસ મહાનિરીક્ષક નવધિ ચૌધરીની સૂચના મુજબ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બગોદરા બસ સ્ટેન્ડ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી
LCBના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ચુડાસમા અને પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ પરમારને ચોક્કસ બાતમી મળી હતી કે, એક શખ્સ એસ.ટી. બસમાં દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે બગોદરા બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી.
એસ.ટી. બસમાંથી 950 બોટલ દારૂ ઝડપાયો
પોલીસે બગોદરા બસ સ્ટેન્ડ પર આવેલી એસ.ટી. બસ (નંબર: GJ-18-Z-9407) માં તપાસ કરતા પેસેન્જર તરીકે મુસાફરી કરી રહેલા નગીનભાઈ દુરજીભાઈ રાઠવા (રહે. છોટા ઉદેપુર) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. તેની પાસે રહેલા 8 પ્લાસ્ટિકના કોથળા અને 4 સ્કૂલ બેગની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી કુલ 950 બોટલો મળી આવી હતી.
રૂપિયા 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ કામગીરી દરમિયાન કુલ રૂ. 2,37,500/- ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને આરોપી નગીન રાઠવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટીમ જેણે આ કામગીરી કરી:
આ સફળ ઓપરેશનમાં LCB પી.આઈ. આર.એન. કરમટીયા, પી.આઈ. કે.એ. સાવલીયા સહિત એ.એસ.આઈ. દિલીપસિંહ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ, પુષ્પરાજસિંહ, અજયભાઈ, કિરીટભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ પરમાર, વિપુલભાઈ અને વિશાલકુમાર જોડાયા હતા.