અમદાવાદ: શહેરના સાબરમતી વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક વૃદ્ધ દંપતીને વાતોમાં ભોળવી, વિશ્વાસ જીતી અને સોનાના દાગીના પડાવી લેનાર કુખ્યાત “મદારી ગેંગ” ના એક સભ્યને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઝોન-૨ ની ટીમે મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત ૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સવારે સવા દસ વાગ્યાની આસપાસ સાબરમતી-ન્યૂ રાણીપ વિસ્તારમાં એક દંપતી રસ્તે જઈ રહ્યું હતું. આ સમયે નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી કારમાં બે શખ્સો આવ્યા હતા. આ શખ્સોએ નાગા બાવાનો વેશ ધારણ કરેલો હતો.
તેઓએ દંપતીને અટકાવી જણાવ્યું કે, “અમે ઉજ્જૈનથી આવીએ છીએ” અને નજીકમાં કોઈ મંદિર કે ધર્મશાળા વિશે પૂછપરછ કરી હતી. ત્યારબાદ કારમાં નગ્ન અવસ્થામાં બેઠેલા એક શખ્સને બતાવીને કહ્યું કે, “આ મોટા સાધુ છે, જે ક્યારેક જ બહાર આવે છે. તમે ભાગ્યશાળી છો કે તમને બાપુના દર્શન થયા.”
બાવાઓએ દંપતીનો વિશ્વાસ જીતવા માટે કેટલીક વસ્તુઓ માંગી અને પરત આપી પોતે ‘પરીક્ષા’ લેતા હોવાનું નાટક કર્યું હતું. દંપતી વિશ્વાસમાં આવી જતાં બાવાઓએ તેમની પાસેથી:
એક સોનાની વીંટી
એક સોનાનું કડું
(કુલ કિંમત રૂ. ૧,૬૫,૦૦૦/-) પડાવી લીધા હતા અને ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસે કેવી રીતે ઉકેલ્યો ભેદ?
આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા, ઝોન-૨ ના નાયબ પોલીસ કમિશનર ભરતકુમાર રાઠોડની સૂચના હેઠળ LCBની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળથી લઈને આરોપીઓના સંભવિત રૂટના અનેક CCTV ફૂટેજ તપાસ્યા હતા.
ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી પોલીસને જાણવા મળ્યું કે દહેગામના ગણેશપુરા ગામની “મદારી ગેંગ” આ પ્રકારે છેતરપિંડી આચરે છે. પોલીસે બાતમીના આધારે રાહુલનાથ કંચનનાથ મદારી (ઉં.વ. ૨૮) ને ટોયોટા એટિઓસ કાર અને સોનાના દાગીના સાથે ઝડપી લીધો છે.
ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલ
આરોપી: રાહુલનાથ કંચનનાથ મદારી (રહે. સલાલ કેનાલ પાસે, હિંમતનગર; મૂળ રહે. દહેગામ).
ગુનાહિત ઈતિહાસ: આ આરોપી અગાઉ રાજકોટ, પોરબંદર અને ભાવનગર જેવા શહેરોમાં પણ અનેક છેતરપિંડી અને ચોરીના ગુનામાં સંડોવાયેલો છે.
રિકવર કરેલ મુદ્દામાલ: રૂ. ૫૫,૦૦૦ની વીંટી, રૂ. ૧.૧૦ લાખનું કડું, મોબાઈલ અને કાર મળી કુલ રૂ. ૩,૬૬,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
પોલીસ હાલમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક વોન્ટેડ આરોપી કરણનાથ નટવરનાથ મદારીની શોધખોળ કરી રહી છે