અમદાવાદ: શહેરમાં ઘરફોડ ચોરી અને મિલકત વિરુદ્ધના ગુનાઓ ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચનાના પગલે સોલા હાઈકોર્ટ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. ગોતા વિસ્તારમાં નવી બનતી પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઇટ પરથી લાખો રૂપિયાના કોપર વાયરની ચોરી કરનાર ત્રણ આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.
કેવી રીતે ઝડપાયા આરોપીઓ?
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એન.એસ. સિંઘ અને તેમની ટીમ તપાસમાં હતી. આ દરમિયાન પોલીસ સ્ટાફના મુકેશકુમાર, રાજેશભાઈ અને દિલીપજીને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીના વાયર સાથે કેટલાક ઈસમો ગોતા મેલડી એસ્ટેટ પાસે પસાર થવાના છે. પોલીસે વોચ ગોઠવીને રિક્ષા સાથે ત્રણ શખ્સોને અટકાવ્યા હતા, જેમની પાસેથી ચોરીના વાયરો મળી આવ્યા હતા.
ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલાયો
આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓએ ગોતા સરસ્વતી સ્કાયલાર્કની સામે બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર ૨ માંથી બે અલગ-અલગ સમયે ચોરી કરી હતી:
સપ્ટેમ્બર ૨૦૨૫ માં રૂ. ૨.૪૧ લાખ ના વાયરની ચોરી.
જાન્યુઆરી ૨૦૨૬ માં રૂ. ૧૬ હજાર ના વાયરની ચોરી.
પકડાયેલ આરોપીઓની વિગત
નારણજી ઈશ્વરજી ઠાકોર (૪૦): રહે. નારોલ (મૂળ કલોલ).
સંજય શંકરભાઈ ઠાકોર (૩૧): રહે. ચાંદલોડિયા (અગાઉ ૩ ગુનામાં સંડોવાયેલ).
ભાવેશ ખુશાલભાઈ મકવાણા (૨૭): રહે. ચાંદલોડિયા.
મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૧,૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં:
૩૦ કિલો તાંબાના વાયર (કિંમત રૂ. ૩૦,૦૦૦).
ગુનામાં વપરાયેલી એક ઓટો રિક્ષા (કિંમત રૂ. ૧,૫૦,૦૦૦).
પકડાયેલ આરોપી સંજય ઠાકોર રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ સોલા પોલીસ સ્ટેશનમાં ચોરીના ત્રણ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. હાલ પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.