રાજકોટ: ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતા એ.સી.બી. (ACB) દ્વારા રાજકોટમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સના આસીસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, એક નિવૃત્ત ઇન્કમટેક્ષ ઇન્સપેક્ટર અને એક પટાવાળાને ₹45,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. ₹4 લાખનું એરિયસ બીલ પાસ કરવા માટે બીલના 20% લેખે લાંચની માંગણી કરવામાં આવી હતી.
શું હતી સમગ્ર ઘટના?
આ કેસની વિગત મુજબ, ફરિયાદીનું ₹4,00,000/-નું એરિયસ બીલ મંજૂર કરવાનું બાકી હતું. આ બીલ મંજૂર કરવાના બદલામાં ઝોનલ એકાઉન્ટ ઓફિસ (નાણાં મંત્રાલય)ના આસીસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર રવિકુમાર સુરેશકુમાર જાંગીડે કુલ બીલના 20% એટલે કે ₹80,000ની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ ₹50,000 આપવાનું નક્કી થયું હતું, જેમાંથી ₹5,000 અગાઉ એડવાન્સમાં લઈ લેવામાં આવ્યા હતા.
બાકીના ₹45,000ની રકમ તા. 29/01/2026 ના રોજ આપવાની હતી, પરંતુ કોઈ કારણસર રવિકુમારે નાણાં સ્વીકાર્યા નહોતા અને નિવૃત્ત ઇન્કમટેક્ષ ઇન્સપેક્ટર શૈલેષ કે. ચૌહાણ સાથે ફોન પર વાત કરી લાંચનો ‘હવાલો’ સોંપ્યો હતો. ત્યારબાદ શૈલેષ ચૌહાણે ઇન્કમટેક્ષ ઓફિસના પટાવાળા અક્ષય વાગડીયાને ફોન કરી ફરિયાદી પાસેથી નાણાં મેળવી લેવા સૂચના આપી હતી.
ACBએ ગોઠવ્યું સફળ છટકું
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી. પી.આઈ. આર.આર. સોલંકી અને તેમની ટીમે ગીરનાર ટોકીઝ પાસે, બજરંગ ઇમિટેશનની દુકાન નજીક છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આરોપી નંબર 3 (અક્ષય વાગડીયા) એ ફરિયાદી પાસેથી ₹45,000ની લાંચ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેને દબોચી લીધો હતો.
ઝડપાયેલા આરોપીઓની વિગત:
રવિકુમાર સુરેશકુમાર જાંગીડ (આસીસ્ટન્ટ એકાઉન્ટ ઓફીસર, વર્ગ-૨, રાજકોટ)
શૈલેષ કે. ચોહાણ (નિવૃત્ત ઇન્કમટેક્ષ ઇન્સપેક્ટર, ભુજ)
અક્ષયભાઇ શેલેષભાઇ વાગડીયા (કન્ટીજન પટાવાળા, ઇન્કમટેક્ષ ઓફીસ, રાજકોટ)
આ સમગ્ર ઓપરેશન એ.સી.બી. રાજકોટ એકમના મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. હાલ એ.સી.બી.એ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.