અમદાવાદ: રીક્ષામાં જતા મુસાફરોને નિશાન બનાવતી રીઢા સ્નેચરોની ગેંગ ઝડપાઈ, ₹8.50 લાખનો મુદ્દામાલ રિકવર

150 CCTV ફૂટેજ ફંફોસી બે રીઢા તસ્કરોને દબોચ્

by Bansari Bhavsar

અમદાવાદ/ બંસરી ભાવસાર

શહેરના માધુપુરા વિસ્તારમાં વહેલી સવારે રિક્ષામાં જતા પેસેન્જરનું દાગીના ભરેલું પર્સ ઝૂંટવી નાસી જનાર બે રીઢા તસ્કરોને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઝોન-2 એ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ ₹8,50,000નો મુદ્દામાલ રિકવર કરી વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

​બનાવની વિગત

​ગઈ તા. 24/02/2026ના રોજ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ, એક મહિલા તેમના દીકરા સાથે સાબરમતી રેલ્વે સ્ટેશનથી રિક્ષામાં બેસી વાણનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન માધુપુરા બારડોલપુરા ગુજરાતી શાળા નં. 01 પાસે બે અજાણ્યા શખ્સો બાઈક પર આવ્યા હતા અને મહિલાના હાથમાંથી સોનાના દાગીના ભરેલું પિંક કલરનું હેન્ડબેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ અંગે માધુપુરા પોલીસ સ્ટેશનમાં BNS ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

​150 થી વધુ CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ

​ગુનાની ગંભીરતાને જોતા ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-2) ભરતકુમાર રાઠોડની સૂચનાથી LCB ઝોન-2 ના PSI કે.ડી. પટેલ અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે સાબરમતી રેલ્વે સ્ટેશનથી દાણીલીમડા સુધીના રૂટ પરના આશરે 150 થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં નંબર પ્લેટ વગરની બ્લ્યુ કલરની એક્સેસ મોટરસાઈકલ શંકાસ્પદ જણાઈ આવી હતી. હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી.

​ઝડપાયેલા આરોપીઓ અને ગુનાહિત ઇતિહાસ

​પોલીસે વોચ ગોઠવીને નીચે મુજબના આરોપીઓને હસ્તગત કર્યા છે:

​તારિક ઉર્ફે નોમાન અયુબભાઈ પટેલ (ઉ.વ. 26): જેની સામે અગાઉ ખાડિયા, રાણીપ, કારંજ અને નારોલ સહિતના પોલીસ સ્ટેશનોમાં 8 થી વધુ ગુના નોંધાયેલા છે.

​સોયેબ ઉર્ફે મામા ઉર્ફે તોતલા સુબ્રાતીભાઈ રંગરેજ (ઉ.વ. 26): આ આરોપી પણ અગાઉ અનેક સ્નેચિંગ અને ચોરીના ગુનામાં સંડોવાયેલો છે.

​તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ચોરી કરેલા દાગીનામાંથી અમુક દાગીના તેઓએ તેમના સાગરીત અતીયાર રહેમાન શેખ (બંગાળી કારીગર) ને વેચવા આપ્યા હતા, જે હાલ વોન્ટેડ છે.

​રિકવર કરેલો મુદ્દામાલ

​પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબની ચીજવસ્તુઓ જપ્ત કરી છે:

​સોનાની પાન છાપ બુટ્ટી, ઝુમખું અને અલગ-અલગ વીંટીઓ.

​સોનાની બંગડીના તૂટેલા તાર.

​ગુનામાં વપરાયેલ એક્સેસ મોટરસાઈકલ (GJ-27-FU-7399).

​કુલ કિંમત: ₹8,50,000/-

​મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની રીત)

​આ આરોપીઓ રેલ્વે સ્ટેશન બહાર વોચ રાખતા હતા. સ્ટેશનથી રિક્ષામાં બેસીને જતા શ્રીમંત પેસેન્જરોનો પીછો કરી, નિર્જન જગ્યાએ રિક્ષા નજીક બાઈક લાવી પર્સ કે બેગ ઝૂંટવી લેવાની તેઓની ટેવ હતી.

​હાલમાં LCB ઝોન-2 એ તમામ મુદ્દામાલ માધુપુરા પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Related Posts