અમદાવાદ: નારણપુરા પોલીસે વિજયનગરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો; હોન્ડા સિટી કાર સહિત ₹૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિક તથા સેક્ટર-૧ ના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે આપેલી કડક સૂચનાઓને પગલે નારણપુરા પોલીસે મોટી સફળતા મેળવી છે. વિજયનગર વિસ્તારમાં દરોડો પાડી પોલીસે લાખોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

​ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી

​ઝોન-૧ ના નાયબ પોલીસ કમિશનર ડો. હર્ષદ પટેલ અને ‘બી’ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર એચ.એમ. કણસાગરાના માર્ગદર્શન હેઠળ નારણપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.જે. ચાવડાએ લિસ્ટેડ બુટલેગરો પર વોચ રાખવા માટે ટીમો બનાવી હતી.

​આ દરમિયાન સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઈ આર.કે. પટેલની ટીમના કોન્સ્ટેબલ વિપુલભાઈ, રોહિતભાઈ અને જીજ્ઞેશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે વિજયનગર ફ્લેટની સામે રહેતો ભરતભાઈ બુધાજી પ્રજાપતિ પોતાના રહેણાંક મકાન અને કારમાં દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરી રહ્યો છે.

​કબજે કરવામાં આવેલ મુદ્દામાલ

​પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડી આરોપી ભરત પ્રજાપતિને ઝડપી લીધો હતો. સર્ચ દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો:

​વિદેશી દારૂ: અલગ-અલગ બ્રાન્ડની કુલ ૩૬૭ બોટલ (કિંમત ₹૧,૩૬,૨૦૦/-)

​વાહન: સિલ્વર કલરની હોન્ડા સીટી કાર (નંબર GJ-01-HP-2078)

​મોબાઈલ: લાવા કંપનીનો એક હેન્ડસેટ

​પોલીસ ટીમની સફળતા

​આ સમગ્ર કામગીરીમાં પીએસઆઈ આર.કે. પટેલ, એએસઆઈ હર્ષદભાઈ, હેડ કોન્સ્ટેબલ વિપુલકુમાર, બિપિનભાઈ તથા કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ, જક્ષીભાઈ, લાલાભાઈ, વિજયસિંહ અને હાર્દિકભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.

Related Posts