અમદાવાદ: શહેરમાં કાપડના વેપારીઓ સાથે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક કરોડોની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. નારોલ વિસ્તારમાં આવેલી ‘યુનાઇટેડ પોલીફેબ પ્રા.લી.’ નામની ફર્મના માલિક હર્ષદભાઈ કેશવાભાઈ પરમાર (રહે. ઇસનપુર) સાથે મુંબઈની બે અલગ-અલગ પેઢીઓએ કુલ ₹૧,૫૨,૯૦,૨૦૩/- ની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદ મુજબ, ઇસનપુરની માયા રોહીદાસ સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષીય હર્ષદભાઈ પરમાર નારોલ શાહવાડી ખાતે પોતાની ઓફિસ ધરાવે છે. તેમની ફર્મમાંથી મુંબઈના વેપારીઓએ વિશ્વાસ કેળવીને મોટી માત્રામાં ડેનિમ કાપડની ખરીદી કરી હતી, પરંતુ તેનું પેમેન્ટ ચૂકવવામાં ઠાગાઠૈયા કર્યા હતા.
બે અલગ-અલગ પેઢીઓ દ્વારા આચરાયેલી ઠગાઈ:
૧. શીવશક્તિ એન્ટરપ્રાઇઝ (મુંબઈ):
આ પેઢીના માલિક રાજેન્દ્રકુમાર હિંમતમલજી ચોરડીયા (રહે. દાદર ઈસ્ટ, મુંબઈ) એ તા. ૨૮/૦૮/૨૦૨૪ થી ૧૮/૧૦/૨૦૨૪ દરમિયાન હર્ષદભાઈની ફર્મમાંથી ડેનિમ કાપડની ખરીદી કરી હતી. આ સોદા પેટે બાકી નીકળતા ₹૪૪,૬૪,૨૦૩/- ન ચૂકવીને વિશ્વાસઘાત કર્યો હતો.
૨. એવેન્જર્સ ડેનિમ પ્રા.લી. (મુંબઈ):
આ ફર્મના કર્તાધર્તા વસંતભાઈ દામજીભાઈ ભાનુશાલી (રહે. કોપર ખેરને, નવી મુંબઈ) અને દીપકભાઈ નારાયનજી ભાનુશાલી (રહે. પોવાઈ, મુંબઈ) એ સાથે મળીને તા. ૧૬/૦૧/૨૦૨૫ થી ૧૧/૦૬/૨૦૨૫ દરમિયાન માલની ખરીદી કરી હતી. લાંબા સમય સુધી ઉઘરાણી કરવા છતાં આ શખ્સોએ બાકી નીકળતા ₹૧,૦૮,૨૬,૦૦૦/- ચૂકવ્યા નહોતા.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ
આમ, બંને પેઢીઓએ મળીને કુલ ₹૧.૫૨ કરોડથી વધુની છેતરપિંડી આચરતા હર્ષદભાઈએ ૧૮ માર્ચ, ૨૦૨૬ના રોજ ક્રાઈમ બ્રાન્ચમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. આ કેસની વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) યુનિટ-૪ ના પો.સ.ઈ. એમ.વી. ચાવડા ચલાવી રહ્યા છે. પોલીસ હવે આ કેસમાં સંડોવાયેલા મુંબઈના આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.