અમદાવાદ: રાયપુર ટેક્સટાઇલ માર્કેટમાં રૂ. ૨.૪૮ કરોડની છેતરપિંડી, ૬ શખ્સો સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરના વેપારી મથક ગણાતા રાયપુર ન્યુ ક્લોથ માર્કેટમાં કાપડના વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ડેનિમ જીન્સના કાપડની ખરીદી કર્યા બાદ તેના નાણાં ન ચૂકવી વિશ્વાસઘાત કરનાર એક જ પરિવારના સભ્યો સહિત કુલ ૬ શખ્સો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ છે.

​શું છે સમગ્ર મામલો?

​સેટેલાઈટ વિસ્તારમાં સત્યાગ્રહ છાવણી ખાતે રહેતા ૬૬ વર્ષીય વેપારી અરુણકુમાર જ્વાલાપ્રસાદ તુલશ્યાને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, રાયપુર ન્યુ ક્લોથ માર્કેટમાં આવેલી તેમની દુકાન નંબર ૨૫૫ (માળીયું) ખાતેથી આરોપીઓએ મે ૨૦૨૩ થી જુલાઈ ૨૦૨૪ ના સમયગાળા દરમિયાન મોટા પાયે ડેનિમ જીન્સના કાપડની ખરીદી કરી હતી. શરૂઆતમાં વિશ્વાસ કેળવ્યા બાદ આરોપીઓએ કુલ રૂપિયા ૨,૪૮,૧૨,૪૧૩/- ની બાકી નીકળતી રકમ ચૂકવી ન હતી અને વેપારી સાથે છેતરપિંડી આચરી હતી.

​આરોપીઓની વિગત

​આ ગુનામાં સી.ટી.એમ. વિસ્તારના રહેવાસી એવા નીચે મુજબના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે:

૧. દક્ષેશ જીતેન્દ્રકુમાર ગોહિલ

૨. ધવલભાઈ જીતેન્દ્રકુમાર ગોહિલ

૩. મંજુલાબેન દક્ષેશભાઇ ગોહેલ

૪. કિંજલ ધવલભાઈ ગોહેલ

૫. યામીકાબહેન જયસુખલાલ

૬. જયદિપ મહેશભાઈ ખત્રી

​આરોપીઓ પૈકી પ્રથમ ચાર સભ્યો ખોખરા, સી.ટી.એમ. ચાર રસ્તા પાસે આવેલી શિવ દર્શન સોસાયટીના રહેવાસી છે.

​પોલીસ તપાસ તેજ

​વેપારીની ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ ન્યુ ક્લોથ માર્કેટ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી. એમ. સાટીયા ચલાવી રહ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આ પ્રકારે છેતરપિંડી આચરી છે કે કેમ.

Related Posts