અમદાવાદ: શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી બદીઓને નાબૂદ કરવાની સૂચના હેઠળ એલ.સી.બી. (LCB) ઝોન-૪ ની ટીમે એક મોટી સફળતા મેળવી છે. નરોડા સેલ્બી હોસ્પિટલથી દહેગામ તરફ જવાના રોડ પર ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી એક સ્કોડા ગાડીમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ઘટનાની વિગત
એલ.સી.બી. ઝોન-૪ ના પી.એસ.આઈ. એસ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિશાલભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દક્ષેશભાઈને બાતમી મળી હતી કે એક લક્ઝરી કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે નરોડા-દહેગામ રોડ પર ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી સ્કોડા ગાડીને અટકાવી હતી.
કુલ ₹૭,૩૫,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
તલાશી દરમિયાન ગાડીમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:
દારૂની બોટલો: વિદેશી અને રાજસ્થાન દેશી દારૂની કુલ ૨૫૨ બોટલો.
ક્વાર્ટર: વિદેશી દારૂના ૧૮૦ મીલીના ૪૩૨ ક્વાર્ટર.
વાહન અને અન્ય: એક સ્કોડા ગાડી અને ૨ મોબાઈલ ફોન.
કુલ કિંમત: દારૂની કિંમત ₹૩,૩૪,૮૦૦ સહિત કુલ ₹૭,૩૫,૮૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
ધરપકડ અને ગુનાહિત ઇતિહાસ
પોલીસે આ મામલે હિંમતનગરના બે શખ્સોની ધરપકડ કરી છે:
૧. જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ પઢીયાર: જેની વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ૬ અને NDPS નો ૧ ગુનો નોંધાયેલ છે.
૨. જોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ: જેની વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ૪ ગુના નોંધાયેલા છે.
આ દારૂનો જથ્થો રાજસ્થાનના બિચ્છીવાડાના મયૂર ચૌધરી નામના બુટલેગરે ભરી આપ્યો હોવાનું ખુલતા પોલીસે તેને ‘વોન્ટેડ’ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.